ખરાબ બેટિંગના કારણે પહેલી ઇનિંગમાં આખી ટીમ ૧૮૦ રન પર ઓલઆઉટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ ચૂકી છે. એડિલેડમાં રમાઈ રહેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં પહેલો દિવસ ભારત માટે સારો રહ્યો નહોતો. ખરાબ બેટિંગના કારણે પહેલી ઇનિંગમાં આખી ટીમ ૧૮૦ રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. કોઈપણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં પહેલા દિવસે ૧ વિકેટ ગુમાવીને ૮૬ રન બનાવી લીધા છે. હાલ ક્રિઝ પર મેક્સવેલ અને લાબુશેન છે.
રોહિત શર્માએ બીજી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગનો ર્નિણય કર્યો હતો. ઓપનિંગ કરવા આવેલો યશસ્વી જયસ્વાલ પહેલા બોલે જ આઉટ થઈ ગયો હતો. તેની સાથે આવેલા કેએલ રાહુલે ૩૭ રન બનાવ્યાં હતા. આ બંને બેટ્સમેન સ્ટાર્કના બોલ પર આઉટ થયા હતા. ચોથા નંબરે આવેલા વિરાટ કોહલી ૭ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. શુભમન ગિલે ૩૧, ઋષભ પંતે ૨૧ અને રોહિત શર્માએ ૩ રન બનાવ્યાં હતા. આ સિવાય નીતિશ રેડ્ડી ૪૨ રનની ઇનિંગ રમવામાં સફળ થયો હતો. આમ ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં ૧૮૦ રન બનાવી શકી હતી.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ભારત સામે પહેલી ઇનિંગમાં કુલ ૬ વિકેટ પોતાના નામે કરી હતી. તેણે સૌપ્રથમ યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો હતો. ત્યારબાદ કેએલ રાહુલ અને વિરાટ કોહલીની વિકેટ ઝડપી, નીતિશ રેડ્ડી, આર અશ્વિન અને હર્ષિત રાણા પણ મિચેલ સ્ટાર્કના હાથે જ આઉટ થયા.
પહેલા દિવસે રમત સમાપ્ત થાય ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ૮૬ રન બનાવ્યાં છે. આ દરમિયાન કાંગારૂ ટીમે એક વિકેટ ગુમાવી છે. ઓસ્ટ્રેલિયા માટે ક્રિઝ પર મેક્સવેલ અને લાબુશેન જોરદાર બેટિંગ કરી રહ્યાં છે. મેક્સવેલ ૩૮ રને જ્યારે લાબુશેન ૨૦ રને અણનમ છે. ભારતને અત્યાર સુધીમાં માત્ર એક વિકેટ મળી છે. બુમરાહે ઉસ્માન ખ્વાજાને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા ૮૬ રનેથી બીજા દિવસે રમતની શરૂઆત કરશે.