Last Updated on by Sampurna Samachar
ભારત સરકાર આ અંગે શુ નિર્ણય લે તે પર વિશ્વની નજર
ઈઝરાયલે વર્ષો પહેલા ભારત માટે આવુ પગલુ ભર્યુ હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈઝરાયલે ભારત સરકારને હમાસ અને તેના સંલગ્ન જૂથોને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવા સત્તાવાર અપીલ કરી છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે, જે રીતે ઈઝરાયલે લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધ મૂક્યો છે, તેવી જ રીતે ભારત પણ હમાસ સામે કડક વલણ અપનાવે.

ઈઝરાયલના વિદેશ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઈઝરાયલે વર્ષો પહેલા ભારતની સુરક્ષાને ધ્યાને રાખીને લશ્કર-એ-તૈયબાને આતંકવાદી જૂથ જાહેર કર્યું હતું. હવે ઈઝરાયલ ઈચ્છે છે કે ભારત પણ હમાસને આતંકવાદી જૂથોની યાદીમાં સામેલ કરે. અધિકારીએ દાવો કર્યો હતો કે હમાસ અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજા સાથે જોડાયેલા છે.
ઈઝરાયલ હમાસને સંપૂર્ણપણે ખતમ કરવા માંગે છે
ગંભીર આક્ષેપ કરતા ઈઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ , હમાસ અને હિઝબુલ્લાહ વિશ્વભરમાં હુમલા કરવા માટે ગુનાહિત નેટવર્કનો ઉપયોગ કરે છે. ભારતનું આ ર્નિણય પડોશી દેશો જેવા કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને માલદીવ માટે એક મજબૂત સંકેત સાબિત થશે, કારણ કે આ દેશો ભારતની વિદેશ નીતિને અનુસરે છે.
ઈઝરાયલી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, જો ભારત હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરશે, તો તેની વૈશ્વિક અસર ખૂબ જ મજબૂત હશે. અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ યોજના બાદ ઈઝરાયલનું આગામી પગલું હમાસને સંપૂર્ણપણે ખતમ કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે, હમાસ એ પેલેસ્ટિનિયન લડવૈયાઓનું સંગઠન છે, જે ગાઝા અને પશ્ચિમ કાંઠાને ઈઝરાયલી નિયંત્રણમાંથી મુક્ત કરવાનો દાવો કરે છે. ઈઝરાયલ અને પશ્ચિમી દેશો તેને આતંકવાદી સંગઠન માને છે, જ્યારે તેને ઈરાન દ્વારા સમર્થન મળતું હોવાનું મનાય છે. ભારત સરકાર આ સંવેદનશીલ વિદેશ નીતિના મુદ્દે શું ર્નિણય લેશે, તેના પર હવે સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.