Last Updated on by Sampurna Samachar
પહેલીવાર એશિયા કપની ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન
આ રમાનારી મેચ હાઈ-પ્રોફાઈલ રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશિયા કપમાં રવિવારે ફાઇનલ જંગ થવાનો છે. દુબઈમાં રમાનાર આ મેચમાં પ્રથમવાર ભારત અને પાકિસ્તાન આમને-સામને હશે. ક્રિકેટ ઈતિહાસમાં આ ક્ષણ ઐતિહાસિક હશે કારણ કે ટૂર્નામેન્ટના૦ ૪૧ વર્ષ અને ૧૬ એડિશનમાં ક્યારેય એવું થયું નથી કે બંને કટ્ટર હરીફ ફાઇનલમાં આમને-સામને હોય.

ટીમ ઈન્ડિયા આ વખતે ૧૧મી વખત ફાઇનલ રમશે અને પોતાની ૯મી ટ્રોફી જીતવાના ઈરાદાથી ઉતરશે. બીજીતરફ પાકિસ્તાન છઠ્ઠીવાર આ ટૂર્નામેન્ટની ફાઈનલ રમશે. પાકિસ્તાન અત્યાર સુધી બે વખત ચેમ્પિયન બન્યું છે. આ રમાનારી મેચ હાઈ-પ્રોફાઈલ રહેવાની છે.
ભારતે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું
ટી૨૦ ફોર્મેટમાં આ ભારત અને પાકિસ્તાનની બીજી એશિયા કપ ફાઈનલ હશે. ભારતે ૨૦૧૬મા ટી૨૦ ટ્રોફી જીતી હતી, જ્યારે ૨૦૨૨મા પાકિસ્તાને શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે પાકિસ્તાન પ્રથમવાર ટી૨૦ ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. ભારતે ગ્રુપ સ્ટેજ અને સુપર-૪મા પાકિસ્તાનને હરાવી મનોવૈજ્ઞાનિક સરસાઈ બનાવી લીધી છે.
ભારતે આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાનને બે વાર હરાવવા સાથે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પણ હરાવ્યું છે. બીજીતરફ પાકિસ્તાને સુપર-૪મા બાંગ્લાદેશને હરાવી ફાઇનલની ટિકિટ મેળવી છે, પરંતુ ભારત સામે બંને મેચમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે.
આ વખતે ભારત-પાકિસ્તાન મેચ માત્ર રમત સુધી સીમિત ન રહી. ગ્રુપ અને સુપર-૪ના મુકાબલામાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો. તો પાકિસ્તાન ટીમના ખેલાડીઓએ ભડકાઉ સેલિબ્રેશનથી માહોલ ગરમાઈ ગયો હતો. હવે ફાઇનલ પહેલા બંને ટીમો વચ્ચે તણાવ વધી ગયો છે. ૨૮મી સપ્ટેમ્બરે રમાનાર આ ફાઇનલ રોમાંચક અને ડ્રામાથી ભરપૂર રહેવાની છે. ભારતની નજર નવમી ટ્રોફી પર હશે, જ્યારે પાકિસ્તાન પ્રથમવાર ટી૨૦ એશિયા કપ જીતવા માટે મેદાનમાં ઉતરશે.