Last Updated on by Sampurna Samachar
ફેબ્રુઆરીમાં બજેટ આવે તે પહેલા ભારતીય અર્થતંત્ર માટે માઠા સમાચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
બજેટ પહેલા અર્થતંત્ર માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૪-૨૦૨૫) માં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર ૬.૪% રહેવાનો અંદાજ છે. ગત નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા ૮.૨%ના દરે વૃદ્ધિ પામી હતી. ૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)એ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાષ્ટ્રીય આવકનો અંદાજ જાહેર કરતા કહ્યું કે, વાસ્તવિક GDP આ નાણાકીય વર્ષમાં ૬.૪ ટકાના દરે વધવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે GDP વૃદ્ધિનો કામચલાઉ અંદાજ ૮.૨ ટકા રહેવાની વાત કહેવામાં આવી હતી. NSO નો ચાલુ નાણાકીય વર્ષ માટેનો GDP વૃદ્ધિનો અંદાજ ભારતીય રિઝર્વ બેન્કના અંદાજ કરતાં ઓછો છે. RBI એ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં GDP ૬.૬%ના દરે વધવાનો અંદાજ લગાવ્યો છે.
જો આપણે પહેલા ત્રિમાસિકની વાત કરીએ તો દેશનો વિકાસ દર ૬.૭% હતો. જ્યારે બીજા ક્વાર્ટરમાં આ વૃદ્ધિ ઘટીને ૫.૪ ટકા રહી હતી. જેની કોઈને પણ અપેક્ષા નહોતી. ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર વધવાની ધારણા હોવા છતાં, તે મૂળ અંદાજ કરતાં નબળો રહેવાની ધારણા છે. RBI એ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૬.૬%ના દરે GDP વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.બીજી તરફ અન્ય સંસ્થાઓએ પણ ભારતનો GDP ૭%થી નીચે રહેવાનો અંદાજ મૂક્યો છે. મહત્ત્વની વાત એ છે કે, દેશનું બજેટ પહેલી ફેબ્રુઆરીએ આવવાનું છે. આ સ્થિતિમાં NSO નો આ અંદાજ ખૂબ જ મહત્ત્વનો છે. આ ઉપરાંત ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં RBI ની પોલિસી બેઠક પણ યોજાવાની છે. તેના અંદાજ પર પણ બધાની નજર રહેશે.