Last Updated on by Sampurna Samachar
પરિવારે ભિલોડા પોલીસ સ્ટેશને નોંધાવી ફરિયાદ
સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી કૃત્ય આચર્યું હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાંથી સરકારી ST બસના ડ્રાઇવરે સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ એસટી બસમાં શાળાએ જતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી ડ્રાઇવરે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો સનસનાટીભર્યો મામલો બહાર આવ્યો છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લાના ભિલોડા વિસ્તારમાં એસટી બસમાં અભ્યાસ માટે જતી એક સગીરા પર ભાણમેરના એસટી ડ્રાઇવર વિજય ગામેતીની મેલી મુરાદ બગડી હતી. ડ્રાઇવરે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ લગ્નની લાલચ આપીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. સગીરા ડરના માર્યા આ વાત છુપાવી રહી હતી, પરંતુ આખરે હિંમત કરીને તેણે પોતાના માતા-પિતાને આપવીતી જણાવતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.
મુસાફરો અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા પર ગંભીર ઉઠ્યા
પરિવારે આ અંગે ત્વરિત ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિજય ગામેતી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી બસના ચાલક દ્વારા આ પ્રકારના શરમજનક કૃત્યને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. આ ઘટનાએ મુસાફરોની, ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.