Last Updated on by Sampurna Samachar
ઉદ્યોગપતિઓ અને સ્થાનિકોનો સંયમ ખૂટ્યો
રોષે ભરાયેલા લોકોએ જેટકો ઓફિસે હોબાળો મચાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે આવેલા જેટકો ના ૬૬ કે.વી. સબ સ્ટેશનમાં લાગેલી આગ બાદ હવે વીજ સંકટ ઘેરાયું છે. આગની ઘટનાને પગલે સુરક્ષાના કારણોસર વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબો સમય વીતવા છતાં વીજ પુરવઠો નિયમિત ન થતા ઉદ્યોગપતિઓ અને સ્થાનિકોનો સંયમ ખૂટ્યો છે. રોષે ભરાયેલા લોકોએ જેટકો ઓફિસ પર પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો.

માંગરોળ પંથકમાં વારંવાર થતી ટ્રીપીંગની સમસ્યા અને અનિયમિત વીજ પુરવઠાને કારણે અંદાજે ૧૪૦૦ જેટલી મિલો બંધ કરી દેવાની નોબત આવી છે. ઉદ્યોગપતિઓના જણાવ્યા અનુસાર, પાવર ફ્લકચ્યુએશન અને વારંવારના કાપને કારણે મશીનરીને નુકસાન થઈ રહ્યું છે, અને ઉત્પાદન ખોરવાતા રોજનું કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જ્યાં સુધી વીજ પુરવઠો પૂર્વવત અને સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી મિલો બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
આખું પંથક અંધારપટ અને આર્થિક નુકસાનની ભીતિ હેઠળ
મોટા બોરસરા ગામના લોકો અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ જેટકોની કચેરીએ પહોંચી સત્તાધીશોને ઉગ્ર રજૂઆત કરી હતી. બોરસરા સબ સ્ટેશનમાં લાગેલી આગ બાદ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નિષ્ફળતા મળી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. હાલમાં આખું પંથક અંધારપટ અને આર્થિક નુકસાનની ભીતિ હેઠળ છે. જો વહેલી તકે કાયમી ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.