વર્ષ ૨૦૨૨માં નોંધાયેલા ગુનાઓમાં માત્ર ૧.૭ ટકા ગુનેગારો જ સજા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં દરરોજ સાયબર ક્રાઈમને લઈને અનેક બનાવો સામે આવતા હોય છે. પરંતુ હવે આ સાથે જોડાયેલો એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. હકીકતમાં વર્ષ ૨૦૨૦-૨૦૨૨ની વચ્ચે દેશના તમામ ૨૮ રાજ્યોમાં નોંધાયેલા કુલ ૧.૬૭ લાખ કેસમાંથી ફક્ત ૨૭૦૬ એટલે કે માત્ર ૧.૬ ટકા ગુનેગારોને સજા કરવામાં આવી હતી.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના ડેટા દર્શાવે છે કે, વર્ષ ૨૦૨૦ અને વર્ષ ૨૦૨૨ વચ્ચે ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં સાયબર ક્રાઈમને સંબંધિત સૌથી વધુ કેસ નોંધાયા હતા. આ રાજ્યો પણ નોંધાયેલા સાઈબર ક્રાઈમઓમાં સજા આપવાનો દર ૨ ટકાથી પણ ઓછો છે. એક અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૦માં બધા જ રાજ્યોમાં કુલ ૪૯૭૦૮ કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર ૧૧૦૯ લોકો એટલે કે માત્ર ૨ ટકા લોકોને સજા મળી હતી. ઉત્તરપ્રદેશમાં વર્ષ ૨૦૨૦માં કુલ ૧૧૦૦૦ સાઈબર ક્રાઈમના કેસ નોંધાયા હતા. પરંતુ સજા માત્ર ૬૪૨ ગુનેગારોને સજા મળી હતી. કર્નાટકમાં કુલ ૧૧૭૪૧ સાઈબર ક્રાઈમના કેસ નોંધાયા હતા. આશ્ચર્યજનક રીતે તેમાં માત્ર ૨ ગુનેગારોને સજા મળી હતી. આ યાદીમાં મહારાષ્ટ્ર ૫૪૯૬ કેસ સાથે ત્રીજા સ્થાન પર છે. જ્યાં માત્ર ૩ આરોપીઓને સજા આપવામાં આવી હતી.
તમામ રાજ્યોમાં વર્ષ ૨૦૨૧માં કુલ ૫૨૪૩૦ કેસ નોંધાયા હતા. જેમાંથી માત્ર ૪૯૦ ગુનેગારોને જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. એટલે કે માત્ર ૦.૯૩ ટકા ગુનેગારોને જ સજા થઈ હતી. તેલંગાણામાં ૧૦૩૦૦ કેસ સાથે સાયબર ક્રાઈમના સૌથી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી માત્ર ૧૯ ગુનેગારોને જ સજા થઈ હતી. ઉત્તર પ્રદેશમાં ૮૮૨૯ કેસ નોંધાયા હતા. પરંતુ માત્ર ૨૯૨ ગુનેગારોને સજા થઈ હતી. કર્ણાટક ત્રીજા સ્થાને રહ્યું હતું. જ્યાં ૮૧૩૬ કેસ નોંધાયા હતા અને માત્ર ૧૦ ગુનેગારોને જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૨૨માં તમામ રાજ્યોમાં કુલ ૬૪૯૦૭ સાયબર ક્રાઈમ નોંધાયા હતા. જેમાંથી માત્ર ૧૧૦૭ લોકોને સજા થઈ હતી. એટલે કે માત્ર ૧.૭ ટકા ગુનેગારો જ સજાને પાત્ર બન્યા હતા. જેમાં તેલંગાણામાં ૧૫૨૯૭ સાયબર ક્રાઈમ સાથે સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર ૬૦ લોકોને જ સજા થઈ છે. કર્ણાટક ૧૨૫૫૬ કેસ સાથે બીજા ક્રમે છે. જેમાં માત્ર ૧૨ કેસમાં જ દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને રહ્યું હતું. જ્યાં કુલ ૧૦૧૧૭ સાયબર ક્રાઈમના કેસ નોંધાયા હતા અને ૮૩૮ લોકોને સજા થઈ હતી.
સાયબર ક્રાઈમના કેસોમાં હવે ડિજિટલ અરેસ્ટના મામલાઓ વધુ બની રહ્યા છે. સામાન્ય રીતે ડિજિટલ અરેસ્ટ કૌભાંડોમાં છેતરપિંડી કરનારાઓ પોલીસ અધિકારીઓ અથવા કસ્ટમ અધિકારીઓ હોવાનો દાવો કરે છે. અહીં તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ડિજિટલ અરેસ્ટ દ્વારા સાયબર છેતરપિંડી કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે સાયબર ક્રાઈમના વધતા કેસ માટે ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ની સ્થાપના કરી છે.