Last Updated on by Sampurna Samachar
વ્યાજખોરોએ ચાર ગણું વ્યાજ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રાખી
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં વ્યાજખોરો બેફામ બન્યાં હોવાના સમાચાર છે. ત્યારે વ્યાજખોરોના આતંકથી કંટાળી સુરતનાં વેસુમાં એક જ પરિવારનાં ત્રણ લોકોએ આપઘાત કર્યાની ઘટનાની સ્યાહી હજી સુકાઇ નથી ત્યાં પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી વ્યાજખોરોના આતંકની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોન લીધેલા નાણાં સામે ચાર ગણું વ્યાજ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રહેતા એક યુવકે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે માતાની સારવાર માટે લીધેલા ૧.૨૬ લાખ સામે ૫ લાખ ચૂકવ્યા છતાં ધમકીઓ મળતા યુવકે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પંચમહાલના ગોધરામાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના ભુરાવાવ વિસ્તારમાં રહેતા એક યુવકે વ્યાજખોરોના સતત માનસિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પોલીસે યુવકનું નિવેદન નોંધીને તપાસ હાથ ધરી
પીડિત યુવકે પોતાની બીમાર માતાની સારવાર કરાવવા માટે મજબૂરીમાં વ્યાજખોરો પાસેથી ૧.૨૬ લાખ ઉછીના લીધા હતા. ગરીબ પરિવારના આ યુવકે અત્યાર સુધીમાં આ રકમ સામે ?૫ લાખથી વધુનું વ્યાજ ચૂકવી દીધું હોવા છતા તેને પરેશાન કરાઈ રહ્યો હતો.
આટલી માતબર રકમ ચૂકવવા છતાં વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી અને તેઓ સતત વધુ નાણાંની માંગણી કરી રહ્યા હતા.આત્મઘાતી પગલું ભરતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે વ્યાજખોરો અત્યંત માથાભારે છે અને તેને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે. વ્યાજખોરોના આતંક સામે લાચાર બનેલા યુવકે પોલીસ પાસે ન્યાયની આજીજી કરી હતી.
ફિનાઈલ પીધા બાદ યુવકની તબિયત લથડતા પરિવારજનો અને આસપાસના લોકો તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. હાલમાં યુવક તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યો છે.
આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા અને હોસ્પિટલ તરફથી જાણ થતા ગોધરા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે વ્યાજખોરીના આ પ્રકરણમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ હવે યુવકનું નિવેદન નોંધીને જવાબદાર માથાભારે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.