Last Updated on by Sampurna Samachar
માનવભક્ષી સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી
લગભગ એક કિલોમીટર દૂર ફાડી ખાધી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર-ગઢડા તાલુકાના પીછવી ગામમાં એક અત્યંત કરૂણ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલી એક સિંહણે ઘર પાસે રમી રહેલી બે વર્ષની બાળકીને તેની માતાની નજર સામે જ ઉઠાવી જઈ, લગભગ એક કિલોમીટર દૂર ફાડી ખાધી હતી. જોકે, વનવિભાગની ત્વરિત કામગીરીને પગલે ગણતરીના કલાકોમાં જ માનવભક્ષી સિંહણને પાંજરે પૂરી દેવામાં આવી હતી.

આ હૃદયદ્રાવક ઘટના પીછવી ગામના હરસુખભાઈ મકવાણાની બે વર્ષીય પુત્રી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી, જ્યારે તેની માતા ભારતીબેન વાસણ સાફ કરી રહ્યા હતા. આ સમયે જંગલ તરફથી અચાનક આવેલી સિંહણે બાળકીને ઉપાડી લીધી અને જંગલ તરફ ભાગી ગઈ હતી.
જંગલની સરહદે આવેલા ગામોમાં ભયનો માહોલ
માતા અને પરિવારજનોએ બૂમાબૂમ કરતા સિંહણનો પીછો કર્યો, પરંતુ તેઓ બાળકીને બચાવી શક્યા ન હતા. લગભગ એક કિલોમીટર દૂર સિંહણ બાળકીના મૃતદેહને છોડીને ભાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરીને માનવભક્ષી સિંહણને શોધીને પાંજરે પૂરી દીધી હતી.
બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને વનવિભાગ દ્વારા પરિવારને વળતર ચૂકવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે જંગલની સરહદે આવેલા ગામોમાં ભયનો માહોલ ફેલાયો છે.