Last Updated on by Sampurna Samachar
ભૂતપૂર્વ પ્રેમી સુમિત અને મિત્ર સંદીપ સાથે હત્યાનુ કાવતરું ઘડ્યું
ખતરનાક ષડયંત્રની માસ્ટરમાઇન્ડ ખૂલાસો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના તિમારપુર વિસ્તારમાં લાગેલી આગમાં એક રૂમ ખાખ થઈ ગયો હતો, હવે આ આગે એક એવા ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે, જેને જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. તપાસમાં સામે આવ્યું કે આ દુર્ઘટના નહીં પરંતુ ષડયંત્રપૂર્વક કરેલી હત્યા હતા. આ ખતરનાક ષડયંત્રની માસ્ટરમાઇન્ડ તે યુવતી નીકળી જે ખુદ ગુનો ઉકેલવાનો અભ્યાસ કરી રહી હતી.

BSC ફોરેન્સિક સાયન્સની આ વિદ્યાર્થીની, ક્રાઇમ વિજ્ઞાનના પુસ્તકોનો અભ્યાસ કરી લોકોને ન્યાય અપાવવાનું કામ કરવાની હતી, પરંતુ હવે તે ખુદ કઠેડામાં ઉભી છે. ઉત્તર દિલ્હીના તિમારપુર વિસ્તારમાં બનેલી સનસનાટીભર્યા હત્યાના સંદર્ભમાં દિલ્હી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમાં ૨૧ વર્ષીય અમૃતા ચૌહાણ પણ સામેલ છે, જે BSC ફોરેન્સિક સાયન્સની વિદ્યાર્થીની છે. તેણીએ તેના પરિચિત ૩૨ વર્ષીય રામકેશ મીણા, જે યુપીએસસીની તૈયારી કરતો હતો, તેનું ગળું દબાવીને હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું અને પછી તેને આગ લગાવી દીધી હતી.
પોલીસે આરોપી યુવતીની મુરાદાબાદથી કરી ધરપકડ
DCP રાજા બંઠિયાએ જણાવ્યું હતું કે ૬ ઓક્ટોબરની રાત્રે તિમારપુરમાં એક ઇમારતના ચોથા માળે આગ લાગી હોવાની જાણ થઈ હતી. જ્યારે ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે તેમને રાખના ઢગલામાં એક સળગેલી લાશ મળી આવી. શરૂઆતમાં, તે અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ ફોરેન્સિક તપાસમાં એક અલગ જ વાત બહાર આવી. સીસીટીવી ફૂટેજમાં બે માસ્ક પહેરેલા પુરુષો અને બાદમાં એક યુવાન અને એક મહિલા ઇમારત છોડીને જતા જોવા મળ્યા હતા. આનાથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી.
તો મૃતકના પરિવારે ઘટનાને શંકાસ્પદ ગણાવી તો પોલીસે કોલ ડિટેલની તપાસ કરી હતી. તેમાં સામે આવ્યું કે અમૃતા ચૌહાણનું નામ, જેનું મોબાઇલ કોલેશન ઘટાની રાત્રે તે વિસ્તારમાં હતું. ત્યારબાદ મામલો આગકાંડથી હત્યામાં બદલાઈ ગયો.
ત્યારબાદ પોલીસે ૧૮ ઓક્ટોબરે અમૃતાની મુરાદાબાદ (ઉત્તરપ્રદેશ) થી ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે પોતાના ષડયંત્રનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે આ હત્યા તેણે પોતાના પૂર્વ પ્રેમી સુમિત કશ્યપ અને સાથી સંદીપ કુમાર સાથે મળીને કરી હતી. અમૃતાએ કહ્યું કે મૃતકની પાસે તેના આપત્તિજનક વીડિયો અને તસવીરો એક હાર્ડ ડિસ્કમાં હતી, તેને ડીલેટ કરવાની રામકેશે ના પાડી દીધી હતી. બસ અહીંથી તેની હત્યાનું ષડયંત્ર ઘડવાનું શરૂ થયું હતું.
પોલીસ પ્રમાણે ત્રણેયે ૫ અને ૬ ઓક્ટોબરની રાત્રે રામકેશની ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ રૂમમાં ઘી, તેલ અને વાઇન નાખી આગ લગાવી દીધી હતી. સુમીત જે ગેસ સિલિન્ડરનો ડિસ્ટ્રીબ્યુટર હતો, તેણે સિલિન્ડર ખુલ્લો મુક્યો જેથી ધમાકો થાય અને બધુ દુર્ઘટના જેવું લાગે. થોડા સમય બાદ જોરદાર ધમાકો થયો અને આખા રૂમમાં આગ લાગી ગઈ હતી.
રામકેશની લાશ ઓળખવી પણ મુશ્કેલ બની હતી. અમૃતાની શંકા પર પોલીસે હાર્ડ ડિસ્ક, ટ્રોલી બેગ અને મૃતકનો શર્ટ જપ્ત કર્યો છે. સાથે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ બે ફોન પણ જપ્ત કર્યાં છે. પોલીસ હવે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી તપાસ કરી રહી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ષડયંત્રમાં કોઈ અન્ય સામેલ હતું કે નહીં?