Last Updated on by Sampurna Samachar
માલદિવ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત
મુઈજ્જુ સરકારની PM મોદી માટે આદર-સત્કાર જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવની મુલાકાત પર છે. જ્યાં માલદીવની રાજધાની માલેમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત થયુ હતું. તેમના સ્વાગત માટે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ ઉપરાંત વિદેશ મંત્રી, સંરક્ષણ મંત્રી, નાણાં મંત્રી અને ગૃહ મંત્રી એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતાં.
એક વર્ષ પહેલાં જે મુઈજ્જુ સરકારના મંત્રીઓ વડાપ્રધાન મોદી અને ભારત વિરૂદ્ધ ઝેર ઓંકી રહ્યા હતાં. ૧૯-૨૦ મહિના પહેલાં ઈન્ડિયા આઉટનો સુત્રોચ્ચાર કરી રહેલાં માલદીવ્સની મુઈજ્જુ સરકારની આ આદર-સત્કાર જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત બન્યા છે.
માલદીવ્સ પર ચીનનું ૧.૩૭ અબજ ડોલરનું દેવું
ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, મુઈજ્જુ સરકારની ભારત પ્રત્યેની વિદેશ નીતિ કેવી રીતે ૩૬૦ ડિગ્રી બદલાઈ ગઈ. ચીનના દબાણમાં મુઈજ્જુ સરકારે ભારત વિરૂદ્ધ મોરચો છેડ્યો હતો. પરંતુ ખૂબ ઓછા સમયમાં તેને પોતાની ભૂલનો અનુભવ થઈ ગયો હોવાનું લાગી રહ્યું છે.
સાડા પાંચ લાખ લોકોની વસ્તી ધરાવતા માલદીવ્સની અર્થવ્યવસ્થા પ્રવાસન પર ર્નિભર છે. કોરોના મહામારીથી દેશની અર્થવ્યવસ્થા કથળી હતી. ૨૦૨૪માં માલદીવ્સની ફોરેક્સ રિઝર્વમાં મોટો ઘટાડો નોંધાતા ભારતે મદદ કરી હતી. ભારતે તેને ૭૫ કરોડ ડોલરની કરન્સી સ્વેપની સુવિધા આપી હતી. તેમજ ૧૦ કરોડ ડોલર ટ્રેઝરી બિલ ચૂકવવા પણ સહાયતા કરી હતી. ૨૦૨૪માં માલદીવ્સના અડ્ડુ શહેરમાં ભારતે એક લિંક બ્રિજ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો હતો. જ્યાં ૨.૯ કરોડ ડોલરના ખર્ચે એરપોર્ટ વિકસિત કરવામાં આવી રહ્યું છે.
ભારત માલદીવ્સના અર્થતંત્રને ઉગારવા નાણાકીય અને આર્થિક સહાય કરી રહ્યું હતું. પરંતુ મોઈજ્જુની સરકાર બનતાં તેણે ચીનની તરફેણમાં ર્નિણયો લેવાનું શરૂ કર્યું. ભારત વિરોધી કાર્યવાહી હાથ ધરી ઈન્ડિયા આઉટનો નારો આપ્યો. જેથી ભારતના માલદીવ્સ સાથે સંબંધો બગડ્યા હતાં. તે સમયે ૨૦૨૪માં વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસે માલદીવ્સને પોતાની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો.
PM મોદીની લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો વાઈરલ થતાં ભારતમાં સોશિયલ મીડિયા પર બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. જેથી માલદીવ્સમાં પ્રવાસીઓની સંખ્યા ૫૦,૦૦૦ સુધી ઘટી હતી. તેને ૧૫ કરોડ ડોલરનું નુકસાન થયુ હતું. જેથી મુઈજ્જુ સરકારને પોતાની ભૂલ સમજાઈ અને તેણે ભારતના લોકોને માલદીવ્સ આવવાની અપીલ કરી.
૨૦૨૪ માં ચીનની મુલાકાત લીધા પછી, રાષ્ટ્રપતિ મુઇજ્જુએ આદેશ આપ્યો હતો કે કોઈ પણ ભારતીય લશ્કરી કર્મચારી, ભલે તે સિવિલ ડ્રેસમાં હોય, તેમના દેશમાં ન રહે. તેમને દેશમાંથી બહાર જવા એક સમયમર્યાદા પણ નક્કી કરી હતી. માલદીવ્સના સાર્વભૌમત્વનો આદર કરતા ભારતે તેના તમામ લશ્કરી કર્મચારીઓને પાછા ખેંચી લીધા હતાં.
ભારતના આ ર્નિણયની બંને દેશો વચ્ચેના સંબંધો પર સકારાત્મક અસર પડી. બીજી તરફ, નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ, તે જ વર્ષે ઓગસ્ટમાં વિદેશ મંત્રી એસ જયશંકરે મુલાકાત લીધી હતી. બંને નેતાઓની મુલાકાત બાદ સંબંધો સુધર્યા હતાં.
ઉલ્લેખનીય છે, માલદીવ્સ પર ચીનનું ૧.૩૭ અબજ ડોલરનું દેવું છે. જો કોઈ દેશ લોન ચૂકવવામાં નિષ્ફળ રહે તો ચીન તેના અત્યંત ખરાબ હાલ કરે છે. તે રાજકીય અને આર્થિક દબાણ લાદવા ઉપરાંત પ્રદેશ પર કબજો સહિતની કાર્યવાહી હાથ ધરે છે.