Last Updated on by Sampurna Samachar
પ્રેમીને બહાનુ કરી બોલાવી એસિડ એટેક કરી મોતને ઘાટ ઉતાર્યો
વર્ષ ૨૦૨૧ ના મામલે આગરા કોર્ટે ચૂકાદો સંભળાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના આગરામાં વધુ એક નવો કાંડ સામે આવ્યો છે. એક યુવતીએ પોતાના પ્રેમી પર એસિડ એટેક કરી તેને મોતને ઘાટ ઉતારી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાના રૂમમાં પંખાને ઠીક કરવાના બહાને પ્રેમીને બોલાવ્યો અને પછી એસિડ એટેકની ઘટનાને અંજામ આપ્યો હતો. હવે આ મામલામાં આગરા કોર્ટે પ્રેમિકા સોનમ પાંડેને આજીવન કારાવાસ અને ૪૦ હજારનો દંડ પણ ફટકાર્યો છે.

મળતી માહિતી મુજબ આ મામલો ૨૧ માર્ચ ૨૦૨૧ નો છે. ઔરૈયાની રહેવાસી સોનમ પાંડે આગરાની એક હોસ્પિટલમાં નર્સ હતી. તેની મુલાકાત એક પેથોલોજીમાં કામ કરનારા દેવેન્દ્ર સાથે થઈ. તે કાસગંજનો રહેવાસી હતો. બંને આગરાના હરિપર્વત વિસ્તારના ખંદારી પર રહેતા હતા. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો.
આજીવન કારાવાસની સજા અને ૪૦ હજારનો દંડ
સોનમ પાંડે પ્રેમી દેવેન્દ્ર સાથે લગ્ન કરવા માંગતી હતી. જ્યારે દેવેન્દ્રના લગ્ન બીજી જગ્યાએ નક્કી થઈ ગયા હતા. તેને લઈને સોનમ ગુસ્સામાં હતી. તેણે ૨૧ માર્ચ ૨૦૨૧ના રોજ દેવેન્દ્રને પોતાના રૂમમાં પંખો ઠીક કરવાના બહાને બોલાવ્યો. પછી લગ્ન કરવાને લઈને બંને વચ્ચે ઝઘડો થયો. લડાઈ એટલી વધી ગઈ કે સોનમે પ્રેમી પર એસિડ ફેંકી દીધું.
જોકે, તેમાં પ્રેમી સાથે પ્રેમિકા સોનમ પણ દાઝી ગઈ હતી. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પણ સારવાર દરમિયાન પ્રેમી દેવેન્દ્રનું મોત થઈ ગયું, જ્યારે સોનમ બચી ગઈ. સારવાર દરમિયાન દેવેન્દ્રે પોલીસને નિવેદન પણ આપ્યું. તેણે પ્રેમિકા સોનમ પર એસિડ એટેકની વાત કહી હતી. સારવાર બાદ પોલીસે આરોપી પ્રેમિકાની ધરપકડ કરી હતી, પણ પછી તેને જામીન મળી ગયા. પોલીસ તરફથી આ કેસમાં પૂરાવા કોર્ટમાં રજૂ કર્યા. જે બાદ હવે કોર્ટે આ મામલામાં ર્નિણય સંભળાવ્યો છે.
આરોપી સોનમ પાંડેને આજીવન કારાવાસની સજા અને ૪૦ હજારનો દંડ પણ લગાવ્યો છે. આ દરમિયાન પોલીસે જ્યારે સોનમ પાંડેના રૂમની તલાશી લીધી તો રૂમમાંથી એક લીટરનો ડબ્બો પણ પોલીસને મળ્યો. તેમાં એસિડ ભર્યું હતું. પોલીસે આ પૂરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા. જે બાદ હવે કોર્ટે મોટો ચુકાદો આપતા સોનમને આજીવન કેદની સજા સંભળાવી.