Last Updated on by Sampurna Samachar
Contents
કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય, કાયદો દિલ તોડવાને અપરાધ નથી માનતો
સહમતિથી બનેલા સંબંધો બાદ જો લગ્નથી ઇનકારર કરવામાં આવે તો તે દુ:ખદ છે પરંતુ તેને દુષ્કર્મ ન ગણી શકાય
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુષ્કર્મ કેસમાં સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઇકોર્ટે કહ્યું કે, કોઈનું દિલ તોડવું એ અપરાધ ન ગણાય. કાયદો દિલ તોડવાને અપરાધ નથી માનતો. આ સાથે જ કહ્યું કે, સહમતિથી બનેલા સંબંધો બાદ જો લગ્નથી ઇન્કાર કરવામાં આવે તો તે દુ:ખદ છે પરંતુ તેને દુષ્કર્મ ન ગણી શકાય. કોર્ટે કાયદામાં લગ્નના ખોટા વાયદાને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી છે. આ સાથે જ એ બાબત પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું કે, આ સંબંધ વિદેશમાં બંધાયો હતો.

એક મહિલાએ એક પુરુષ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. બંને પક્ષો આયર્લૅન્ડમાં મળ્યા હતા અને લગભગ બે વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતા. ફરિયાદી તેના પાછલા લગ્નમાં મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી અને તેને સાત વર્ષનું એક બાળક પણ છે. તે આરોપી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. પાછળથી સંબંધ ન ચાલ્યો અને જ્યારે આરોપી ભારત પાછો ફર્યો ત્યારે તેણે ફરિયાદી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું.
વિશ્વાસઘાતનો આરોપ
આ મામલે જસ્ટિસ એમ નાગપ્રસન્ના સુનાવણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં બે પુખ્ત વયના લોકો લાંબા સમય સુધી પરસ્પર સંમતિથી શારીરિક સંબંધો બાંધે છે, અને ત્યારબાદ જો પુરુષ મહિલા સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દે તો આ કૃત્ય ગમે તેટલું ખેદજનક કેમ ન હોય, તે સંબંધને માત્ર એ જ આધાર પર કલમ ૩૭૬ હેઠળ દુષ્કર્મના ગુનામાં રૂપાંતરિત ન કરી શકાય.
કોર્ટે કહ્યું કે, ફરિયાદને સંપૂર્ણ રીતે વાંચવાથી ક્યારેય પણ બળજબરી, શરૂઆતથી છેતરપિંડી અથવા બળપ્રયોગનો કોઈ ઉલ્લેખ જોવા નથી મળતો. આ ફરિયાદ બે વર્ષ સુધી ચાલેલો સાથ, લિવ-ઇન રિલેશનશિપ, શેર કરેલ ઘરેલું જીવન અને સંમતિથી બનેલા સંબંધ વિશે વાત કરે છે. આ સંબંધ આયર્લૅન્ડમાં બંધાયો હતો, તેઓ આયર્લૅન્ડમાં સાથે રહ્યા અને પોતાનું જીવન શેર કર્યું.
ત્યારબાદ જે બન્યું તે હિંસાનો આરોપ નથી, પરંતુ વિશ્વાસઘાતનો આરોપ છે. તેથી આ શરૂઆતથી જ ધોખાથી શારીરિક સંબંધ બાંધવાનો કેસ નથી. આ કાયદાનો એક સ્થાપિત સિદ્ધાંત છે કે કાયદો દિલ તોડવાને અપરાધ નથી માનતો.કોર્ટે કહ્યું કે, કાયદાની નજરમાં લગ્નનું વચન માત્ર ત્યારે જ ખોટું માનવામાં આવે છે જ્યારે તે સાબિત થાય કે વચન માત્ર એક છલ, છેતરપિંડી અથવા જેને ક્યારેય પૂર્ણ કરવાનો ઇરાદો જ નહોતો.
તેનાથી વિપરીત બાદમાં હૃદય પરિવર્તન, ભાવનાત્મક તાલમેલ ન બેસવો, પરિવારનો વિરોધ અથવામાત્ર માત્ર લગ્ન કરવામાં ખચકાટ- આ બાબતોને સબંધની શરૂઆતમાં અપરાધિક ઇરાદો ન માની શકાય. કોર્ટે ફરિયાદની વધુ તપાસ રદ કરી દીધી. આ સાથે જ કહ્યું કે, ફોજદારી ન્યાય પ્રણાલીને સબંધો નિષ્ફળ થવા પર હથિયાર ન બનાવી શકાય.