Last Updated on by Sampurna Samachar
ભારત – ચીન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા વિવાદનો આવશે અંત
બફર ઝોનમાં પેટ્રોલિંગ નહીં કરવાનો ર્નિણય યથાવત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ચીન સરહદે વર્ષોથી જે વિવાદ ચાલી રહ્યો છે. તેને શાંત પાડવા માટે અંતે બંન્ને દેશો સંમત થયા છે. ભારત અને ચીન સૈન્યના કોર્પ્સ કમાન્ડર્સ વચ્ચે સરહદે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં લદ્દાખની સરહદી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે મુજબ બફર ઝોનમાં પેટ્રોલિંગ નહીં કરવાનો બંન્ને દેશોએ ર્નિણય લીધો છે.

વિદેશી બાબતોના મંત્રાલયે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયમાં આ પ્રથમ વખત જનરલ લેવલ મેકેનિઝમની બેઠક યોજવામાં આવી છે. ભારત-ચીન કોર્પ્સ કમાન્ડર સ્તરની બેઠકનો આ ૨૩મો રાઉન્ડ છે. ઓક્ટોબર ૨૦૨૪માં પણ આ જ પ્રકારની બેઠક યોજાઇ હતી જેમાં કેટલીક સંમતિ થઇ હતી અને તે બાદ સરહદની સ્થિતિમાં ઘણા સુધારા થયા છે તેમ મંત્રાલયે કહ્યું હતું.
બંન્ને દેશોએ મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા હતા
ચીનના નેશનલ ડિફેન્સ મંત્રાલયે પણ કહ્યું હતું કે ભારત-ચીન સરહદના વેસ્ટર્ન સેક્ટરમાં શાંતિ સ્થાપિત કરવા માટે બંન્ને દેશો વચ્ચે મજબુત ચર્ચા થઇ હતી. આગામી દિવસોમાં પણ સૈન્યો વચ્ચે આ પ્રકારની બેઠકો થતી રહેશે જે માટે બંન્ને દેશો સંમત થયા છે.
સરહદે શાંતિ જળવાઇ રહે તે માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવશે. લદ્દાખ સરહદ પાસે વર્ષ ૨૦૨૦માં બન્ને દેશોના સૈન્ય વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું જેમાં ભારતના અનેક જવાન શહીદ થયા હતા જ્યારે ચીનના પણ સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટના બાદથી જ બંન્ને દેશોએ મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા હતા જોકે બાદમાં દર વર્ષે યોજાતી બેઠકોના પરિણામે આ સંખ્યા ઘટતી ગઇ અને હવે પેટ્રોલિંગ નહીં કરવાનો પણ ર્નિણય લેવાયો છે.
 
				 
								