રાજ્ય સરકારનો માલધારી સમાજ માટે મહત્વપૂર્ણ નિર્ણય

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૧૧૦૦ માલધારી પરિવારોને પોતાનાં ઘરનો માલિકી હક્ક મળશે

રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ આપી માહિતી

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક્ક આપવાનો મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. રાજ્ય સરકારના આ ઐતિહાસિક ર્નિણયથી અમદાવાદના આશરે ૧૧૦૦ માલધારી પરિવારોને પોતાનાં ઘરનો માલિકી હક્ક મળશે.

આ ર્નિણય સંદર્ભે રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં રબારી સમાજના વસવાટ તેમજ તેમના ઢોર માટે રાખવાની વ્યવસ્થા થઈ શકે તેવા શુભ આશયથી રાજ્ય સરકારે વર્ષ ૧૯૬૦-૬૧માં જમીન સંપાદન કરી અમદાવાદ મહાનગરપાલિકાને સુપરત કરી હતી.

વર્ષો જૂની માંગણીને હકારાત્મક વાચા આપી

આ જમીન પર અમદાવાદ મહાનગરપાલિકાએ પ્લોટ પાડીને ઓઢવ, અમરાઈવાડી, જશોદાનગર જૂની અને જશોદાનગર નવી એમ કુલ ચાર રબારી વસાહતોમાં રહેઠાણ સાથેના મકાનો બાંધીને જે તે સમયે રબારી પરિવારોને પ્લોટની ફાળવણી કરી હતી. જેમાં જશોદાનગર જૂની વસાહતમાં ૧૩૭ પ્લોટ, જશોદાનગર નવી વસાહતમાં ૪૪૦ પ્લોટ, ઓઢવ વસાહતમાં ૩૧૦ પ્લોટ અને અમરાઈવાડીમાં ૨૧૨ પ્લોટ મળીને ચારેય વસાહતોમાં આશરે કુલ ૧,૦૯૯ પ્લોટની ફાળવણી માલધારી સમાજને કરવામાં આવી હતી. આ ચારેય વસાહતનું અંદાજીત કુલ ક્ષેત્રફળ ૬,૫૭,૩૬૩ ચો.મીટર થાય છે.

રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે, હાલ આ ચારેય રબારી વસાહતોમાં પ્લોટોની ફાળવણીને ૫૦ વર્ષથી વધુ સમય થઇ ગયો છે. આ દરમિયાન અનેકવાર માલધારી સમાજે રાજ્ય સરકાર સમક્ષ જમીન પરનો  માલિકી હક્ક આપવા અંગે રજૂઆત કરી હતી. દરેક સમાજની માંગણીઓને હકારાત્મક પ્રતિભાવ આપવાના અનુક્રમને જાળવી રાખતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે માલધારી સમાજની વર્ષો જૂની માંગણીને પણ હકારાત્મક વાચા આપતો ર્નિણય કર્યો છે.

આ તમામ વસાહતોનાં જૂના ભાડૂઆતો અથવા હાલનાં કબજેદારોને ફાળવવામાં આવેલી જમીન પર તેઓને કાયમી માલિકી હક્ક મળે તે આશયથી અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે જમીનના બજારભાવને બદલે રાહતભાવે જમીન વેચાણથી આપવાનો ર્નિણય કર્યો છે. અગાઉ ફાળવણી કરેલી પ્લોટની જમીન માટે હવે કબજેદાર પરિવારો ૬ મહિનામાં પ્રવર્તમાન જંત્રીના ૧૫ ટકા મુજબની રકમ ભરીને જમીનનો કાયમી માલિકી હક્ક મેળવી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, જમીનનો માલિકી હક્ક મેળવવા માટે મૂળ ફાળવણીદારનાં વારસદારોએ ટ્રાન્સફર ફી પેટે રૂ. ૧,૦૦૦ની રકમ AMC ને ભરવાની રહેશે. જ્યારે, મૂળ ફાળવણીદાર સિવાયના કબજેદાર એટલે કે, વારસદાર સિવાયના કિસ્સામાં જરૂરી પૂરાવા આપી રૂ. ૨૦,૦૦૦ ટ્રાન્સફર ફીની રકમ AMC ને ભરવાની રહેશે. જમીન એકથી વધુ વાર તબદીલ થઇ હોય, તેવા કિસ્સામાં વધારાની ટ્રાન્સફર ફીની રકમ અલગથી ભરવાની રહેશે નહિ.

આ ઉપરાંત હાલનાં પ્લોટ પર કાયમી માલિકી હક્ક મેળવવા માટે તેમણે અમદાવાદ મહાનગરપાલિકાની બાકી ભાડાની, બાકી લેણાંની અને સરકારી અથવા સ્થાનિક વેરાની બાકી રકમ પણ ભરપાઈ કરવાની રહેશે. આ તમામ નાણાં ભર્યેથી જરૂરી સ્ટેમ્પ ડ્યૂટી તથા તેના આનુષાંગિક ખર્ચ વગેરે ભરી નિયત સમયમાં દસ્તાવેજ કરાવી લેવાનો રહેશે.

કબજેદારો ફાળવવામાં આવેલી જમીન પર મંજૂરી સિવાયનું વધારાનું બાંધકામ ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (ગૃડા) અંતર્ગત જરૂરી પૂરાવા સાથે અરજી કરી નિયત નાણાં ભરી નિયમીત કરી શકશે. પૂરેપૂરા નાણાં ભર્યા તારીખથી દસ વર્ષ સુધી આ જમીનનો રહેણાંક સિવાય અન્ય કોઈપણ ઉપયોગ કરી શકાશે નહીં તથા અન્યને કોઈપણ રીતે વેચાણ કે તબદીલ કરી શકાશે નહી.

દસ વર્ષની મુદ્દત બાદ રહેણાંક સિવાય અન્ય ઉપયોગ કરવા માંગતા હોય તો પણ તેની પૂર્વ મંજૂરી મેળવી જંત્રીનાં પૂરે-પૂરા નાણાં ભરવાના રહેશે, જેમાં અગાઉ ભરેલ નાણાં મજરે મળી શકશે. જમીનનો માલિકી હક્ક મેળવવા માટે હાલનાં કબજેદારોએ મૂળ પ્લાનમાં દર્શાવ્યા મુજબના કોમન પ્લોટ, આંતરિક રોડ, ટીપી હેઠળના રસ્તા, રિઝર્વ પ્લોટ વગેરેની જગ્યા ફરજીયાતપણે ખુલ્લી કરવાની રહેશે, તેમ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું હતું.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.