Last Updated on by Sampurna Samachar
સરકારે મંત્રીસ્તરીય સમિતિની રચના કરાઇ
નેપાળમાં યુવાઓના ઉગ્ર આંદોલનના કારણે ભારે હિંસા
(સંપૂર્ણ સમાચાર સેવા)
આંધ્ર પ્રદેશ સરકારે રાજ્યમાં સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર નજર રાખવા અને ખોટી માહિતી તથા અફવાઓને કંટ્રોલ કરવા માટે મહત્ત્વનો ર્નિણય લીધો છે. સરકારે મંત્રીસ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિનું મુખ્ય લક્ષ્ય સોશિયલ મીડિયાના દુરુપયોગને અટકાવી સમાજમાં શાંતિ અને સૌહાર્દ જાળવવાનું છે.

રિપોર્ટ મુજબ, સમિતિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મોની જવાબદારી નક્કી કરવાનું, ખોટી માહિતીઓને અટકાવવાનું અને નાગરિકોના અધિકારની રક્ષા કરવાની કામગીરી સોંપાઈ છે. નાયડુ સરકારે રચેલી સમિતિમાં રાજ્યના આઈટી અને એચઆરડી મંત્રી નારા લોકેશ, આરોગ્ય મંત્રી વાય સત્ય કુમાર યાદવ, નાગરિક પુરવઠા મંત્રી નાદેન્દલા મનોહર, ગૃહ મંત્રી વાંગલાપુડી અનિતા અને હાઉસિંગ તથા આઈ એન્ડ પીઆર મંત્રી કોલુસુ પાર્થસારથીનો સમાવેશ કરાયો છે.
સોશિયલ મીડિયા પર દેખરાખ રાખવી જરૂરી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નેપાળમાં યુવાઓના ઉગ્ર આંદોલનના કારણે ભારે હિંસા થઈ હતી, જ્યારે જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં પણ ભારે ઘર્ષણ થયું હતું. કેટલાક ઉપદ્રવિઓ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને ખોટી માહિતી ફેલાવતા હોય છે, જેના કારણે સમાજ હિંસા અને અરાજકતા જેવી સ્થિતિનો સામનો કરે છે.
ઘણાવાર ખોટી અફવાઓ અને માહિતીના કારણે વ્યાપક હિંસાઓ થતી હોય છે, જેમાં માત્ર સંપત્તિને જ નુકસાન નહીં, લોકોના જીવ પણ જાય છે, તેથી જ વર્તમાન સ્થિતિને જોતા સોશિયલ મીડિયા પર દેખરાખ રાખવી જરૂરી બની ગઈ છે.