હવામાન વિભાગે ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરમાં ઠંડી દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. આમ છતાં ધુમ્મસ બિલકુલ દેખાતો નથી. હવે હવામાન વિભાગે આનું ચોંકાવનારું કારણ આપ્યું છે. હવામાન શાસ્ત્રીઓના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડવાથી ધુમ્મસ દેખાતો નથી અથવા તો ઓછો છે. પરંતુ આ વરસાદથી ઠંડીમાં ચોક્કસ વધારો થયો છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર હળવા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને ઠંડીમાં પણ વધારો થયો હતો. આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાત કરીએ તો લખનૌમાં ૦.૫ મીમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે દિવસનું તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સિયસ ઘટીને ૧૪ ડિગ્રી નોંધાયું હતું.
જમ્મુ કાશ્મીરના ભદ્રવાહ વિસ્તારના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાના પગલે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. પહાડો બરફમય બની ગયા છે અને આજુબાજુ જ્યાં નજર કરો ત્યાં સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે. જેને જોઈને પ્રવાસીઓને ખુશનુમા વાતાવરણ નિહાળવાની મજા પડી હતી. પહાડો પર સતત હિમવર્ષાથી ઠંડીમાં પણ વધારો થયો છે. જેના કારણે પહાડોથી લઈને મેદાની પ્રદેશ સુધી ઠંડા પવનો લોકોને ધ્રૂજાવી રહ્યા છે.
હવામાન શાસ્ત્રીના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદશમાં ફરી વરસાદ શરૂ થવાની સંભાવના છે. આ સાથે તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે, ૨૯ ડિસેમ્બર પછી ઠંડી વધુ તીવ્ર બની શકે છે. જેના કારણે દિવસ દરમિયાન શીત લહેરની અસર જોવા મળી શકે છે. હવામાન વિભાગે ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપી છે. સંભવિત વરસાદ અને બરફ વર્ષાના કારણે પાકને નુકસાન થઈ શકે છે. વિભાગે ખેડૂતોને તેમના પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવાની ચેતવણી આપી છે.