૧૭ જૂન સુધી  IMD  નુ કર્ણાટક માટે રેડ એલર્ટ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભારે વરસાદના કારણે ચારે તરફ પૂરની સ્થિતિ સર્જાઇ

કર્ણાટકમાં પૂરને કારણે જનજીવન પર પડી અસર

(સંપૂર્ણ સમાચાર સેવા)

ભારતીય હવામાન વિભાગ દ્વારા કર્ણાટકમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેથી કર્ણાટકના ધારવાડ જિલ્લાના ડેપ્યુટી કમિશનર દિવ્યા પ્રભુએ તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળા, પીયુ અને ડિગ્રી કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરી છે.

ભારતીય હવામાન વિભાગે કર્ણાટક માટે ૭ દિવસનું એલર્ટ જારી કર્યું છે, જેમાં ૧૭ જૂન સુધી લગભગ તમામ જિલ્લામાં મૂશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ધારવાડના હુબલી વિસ્તારમાં સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે હુબલીમાં નદી તોફાની બની છે અને જિલ્લાના ઘણા હિસ્સામાં ખાસ કરીને હનાશી ગામમાં ખૂબ પાણી ભરાયા છે.

અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૧૭ જૂન સુધી દરિયાકાંઠા અને ઉત્તર આતંરિક કર્ણાટકમાં ધોધમાર વરસાદ પડશે. તો બીજી તરફ દક્ષિણ આતંરિક કર્ણાટકના જિલ્લામાં મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે. IMD એ કર્ણાટકના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તર કર્ણાટકમાં કેટલાક સ્થળોએ ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના અહેવાલમાં કહ્યું છે કે, કોપ્પલ, હાવેરી, બાગલકોટ, વિજયપુરા, કાલાબુર્ગી અને રાયચુર જિલ્લામાં એક કે બે સ્થળોએ ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સતત ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. બીદર અને યાદગીર જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે.

દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદ સાથે ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે, જે કેટલાક સ્થળો પર થવાની શક્યતા છે અને શિવમોગા, ચિક્કમગલુરુ અને કોડાગુ જિલ્લામાં એક કે બે સ્થળોએ સમાન ગતિએ સતત પવન સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

આ સાથે જ આખી રાત પડેલા ભારે વરસાદના કારણે તુપરી ઝીલમાં પૂર આવવાથી નવલગુંડ તાલુકાના યમનૂર ગામ નજીક ચાર લોકોનો એક પરિવાર પોતાના ફાર્મહાઉસમાં ફસાઈ ગયો. પૂરના વધી રહેલા પાણીએ ઘરને ઘેરી લીધુ, જેના કારણે તેનો સંપૂર્ણ સંપર્ક તૂટી ગયો હતો.

ગડગ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે યાવગલ ગામ નજીક રોન તાલુકામાં બેન્ને હલ્લા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પુલ પર પાણી ભરાઈ જવાના કારણે રોન-નારગુંડ-યાવગલ રસ્તો બંધ કરવો પડ્યો, જેના કારણે સ્થાનિકો, મુસાફરો અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બીજી તરફ અંબિકા નગર ઉંકલ વિસ્તારમાં મૂશળધાર વરસાદના કારણે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું. આ ઘટનાથી નજીકના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ભારે વરસાદ પછી હુબલીના ઘણા ભાગોમાં પાણી ભરાયા છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.