Last Updated on by Sampurna Samachar
ભારતીય હવામાન વિભાગે આટલા શહેરોમાં કરી આગાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં હવામાને દિશા બદલી હોય તેમ લાગી રહ્યુ છે. દેશના અનેક શહેરોમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગએ દેશના અલગ અલગ ભાગોમાં વરસાદ, ગાઢ ધુમ્મસ અને ઠંડીની સ્થિતિ અંગે એલર્ટ બહાર પાડ્યું છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કેટલાક દિવસ સુધી હળવો વરસાદ અને ધુમ્મસ છવાય તેવી સંભાવના છે.

એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૨૯ જાન્યુઆરીની રાતથી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે. આ સ્થિતિ ૧ ફેબ્રુઆરી સુધી રહી શકે છે. આ વિસ્તારોમાં ઠંડીની સાથે સાથે પર્યટકોને બરફવર્ષાનો અનુભવ થઈ શકે છે.
પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી એનસીઆર અને યુપીના અનેક ભાગોમાં ૩૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી હળવો વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. આ સાથે જ આગામી બે દિવસોમાં ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારબાદ સપ્તાહના અંત સુધીમાં તાપમાન ૨-૪ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ એક પછી એક ૨ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય ક્ષેત્રને ૨૯ જાન્યુઆરીથી પ્રભાવિત કરી શકે છે. બીજુ ૧ ફેબ્રુઆરીના રોજ એક્ટિવ થશે. જેની અસરથી વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે. ૨૯ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી હિમાલય વિસ્તાર અને આસપાસના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, કર્ણાટકમાં પણ હવામાન પલટી મારશે.
કરાઈકલ, માહે, યનમ, રાયલસીમા ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં આગામી ૨ દિવસ વરસાદ પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને પંજાબના અલગ અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવની શક્યતા છે.
ઉત્તર પ્રદેશ, ઓડિશા, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, બિહારમાં ૨૯ જાન્યુઆરી સુધી સવાર સાંજ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. બાકી દેશમાં હવામાન સામાન્ય અને સૂકું રહેશે. તાપમાન વધે તેવા એંધાણ છે.