Last Updated on by Sampurna Samachar
ધાનેરા APMC ની બહાર લાંબી લાઈન લગાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. જેમાં બનાસકાંઠાના ધાનેરામાં પોતાનો પાક બગડી ન જાય તેને લઈને ખેડૂતોએ APMC ની બહાર લાંબી લાઈન લગાવી છે. જેથી તેમનો માલ વહેલી તકે વેચાઈ જાય અને સુરક્ષિત રહે.
બનાસકાંઠાના ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે મોટી સંખ્યામાં ટ્રેક્ટરની કતાર જોવા મળી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ખેડૂતો પોતાનો માલ ટેકાના ભાવે ભરાવવા માટે તાલુકા સંઘના ગોડાઉન ખાતે ટ્રેક્ટરોની લાંબી લાઈન લાગી હતી.
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી વચ્ચે ટેકાના ભાવે મગફળી ભરાવવા માટે ધાનેરા ડીસા હાઇવે પર લાંબી લાઈનો જોવા મળી હતી. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે ટેકાના ભાવે મગફળી લેવામાં આવી રહી છે. ખેડૂતોને ટેકાના ભાવે ૨૦ કિલો મગફળીના ૧૩૫૬ રૂપિયા મળી રહ્યા છે. જ્યારે માર્કેટ યાર્ડમાં ૧,૦૦૦ થી ૧૦૫૦ રૂપિયા મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી ભરાવવા માટે વરસાદની આગાહી વચ્ચે પણ ગોડાઉન ખાતે પહોંચી રહ્યા છે. રોજના ૧૫૦ થી વધુ ખેડૂતોને ટોકન આપીને તેમની મગફળી ખરીદવામાં આવી રહી છે.