Last Updated on by Sampurna Samachar
બાંગ્લાદેશ સરકાર પર પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના આરોપ
વચગાળાની સરકાર અને તેના લોકોને અદાલતથી જેલ સુધી ઘસડી જઈશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાંગ્લાદેશમાંથી દેશનિકાલ કરાયેલા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ મોહમ્મદ યુનુસ અને વચગાળાની સરકાર સામે મોરચો માડ્યો છે. હસીનાએ યુનુસને ચોર અને બાંગ્લાદેશ સરકારને આતંકવાદીઓની સરકાર કહી છે. અને તેમણે કહ્યું કે,અલ્લાહે મને કોઈ કારણથી જીવતી રાખી છે, અને હવે ટૂંક સમયમાં જ બાંગ્લાદેશ (BANGLADESH) પરત ફરી રહી છું.
સોશિયલ મીડિયા પર આવામી લીગના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતાં હસીનાએ કહ્યું કે, ‘હું મરી નથી, એટલે કે હું ફરીથી પરત આવી રહી છું. અલ્લાહે લોકોને સંદેશ આપ્યો છે. પરત આવ્યા પછી વચગાળાની સરકાર અને તેમના લોકોને અદાલતથી જેલ સુધી ઘસડી જઈશ.
બાંગ્લાદેશને યુનુસ સરકારે આતંકવાદીઓનો દેશ બનાવ્યો
હસીનાનું કહેવું છે કે, હું હતી ત્યાં સુધી બાંગ્લાદેશનો ખૂબ જ વિકાસ થયો હતો. લોકો દેશને એક વિકસિત રાષ્ટ્ર તરીકે જોતા હતા, પરંતુ યુનુસ અને તેમના લોકોએ તેને આતંકવાદીઓનો દેશ બનાવી દીધો છે. ત્યાં રોજ મર્ડર થઈ રહ્યા છે, પરંતુ સરકારને કોઈનાથી મતલબ નથી.
હસીનાના કહેવા પ્રમાણે બાંગ્લાદેશમાં પત્રકારો અને વકીલોને બોલવા દેવામાં આવતા નથી. તેમના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આવા લોકો સાથે જલ્દી ન્યાય થવો જોઈએ. આ ઉપરાંત તેમણે યુનુસ પર સરકારી પૈસે એશો આરામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
વાતચીત દરમિયાન અવામી લીગના કાર્યકર્તાઓના એક સવાલના જવાબમાં હસીનાએ કહ્યું કે, ‘ હું જીવતી છું અને જલ્દી બાંગ્લાદેશ પરત આવી રહી છું. તમે દરેક લોકો શાંતિ જાળવી રાખો. તમારી સાથે ન્યાય થશે. જે પણ લોકો તમને મારવા આવી રહ્યા છે, તેમને શોધી શોધીને અહીં લાવવામાં આવશે.‘ હસીનાએ કહ્યું કે, ‘અલ્લાહ કે ઘર દેર હૈ, પર અંઘેર નહીં. આ દરમિયાન તેમણે અવામી લીગના કાર્યકરો પાસેથી બાંગ્લાદેશ વિશે પણ માહિતી લીધી હતી.