Last Updated on by Sampurna Samachar
એકલા અરવલ્લી પટ્ટાના જિલ્લામાં જ ૪,૧૮૧ પોલીસ કેસ
અરવલ્લી ક્ષેત્રના જિલ્લામાં કુલ ૪૦,૧૭૫ કેસ નોંધાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનમાં છેલ્લા સાત વર્ષમાં ગેરકાયદે ખનન, પરિવહન અને સંગ્રહના ગુના હેઠળ કુલ ૭,૧૭૩ FIR નોંધાઈ છે. ચોંકાવનારી વિગત એ છે કે, એકલા અરવલ્લી પટ્ટાના જિલ્લામાં જ ૪,૧૮૧ પોલીસ કેસ થયા છે. સમગ્ર રાજસ્થાનની વાત કરીએ તો છેલ્લા સાત વર્ષમાં ગેરકાયદે ખનનની નાની-મોટી ૭૧,૩૨૨ ઘટના સામે આવી છે, જેમાં પોલીસ કેસની સાથે દંડ ભર્યો હોય એવા કિસ્સા પણ સામેલ છે.

આ પ્રકારના કેસની વાત કરીએ તો અરવલ્લી ક્ષેત્રના જિલ્લામાં કુલ ૪૦,૧૭૫ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ૨૦ જિલ્લા અરવલ્લીની શ્રેણીમાં આવે છે. જો કે, કોંગ્રેસના પાંચ વર્ષ અને ભાજપના બે વર્ષના શાસનના વિવિધ ઘટનાઓ અને પોલીસ ફરિયાદના આંકડામાં પણ મોટો તફાવત છે.
અરવલ્લીનો એક-એક પથ્થર સુરક્ષિત રાખવા કટિબદ્ધ છે
આ અંગે વાત કરતા ત્રણ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ભાજપ નેતા અને પ્રવક્તા રામલાલ શર્માએ જણાવ્યું હતું કે, ‘રાજસ્થાન સરકાર અરવલ્લીનો એક-એક પથ્થર સુરક્ષિત રાખવા કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં અમારી સરકારે ખનન માફિયા સામે કડક કાર્યવાહી કરી છે.’
સરકારી આંકડા મુજબ, ૧૫ ડિસેમ્બર ૨૦૧૮થી ૧૪ ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન કોંગ્રેસના શાસનમાં અરવલ્લી ક્ષેત્રના જિલ્લામાં ગેરકાયદે ખનનની ૨૯,૨૦૯ ઘટનાઓ બની હતી. તેની સામે ભાજપના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સરકારના પ્રથમ બે વર્ષમાં એટલે કે ૧૩ ડિસેમ્બર ૨૦૨૩થી ૨૦૨૫ સુધીના સમયગાળામાં આ સંખ્યા ૧૦,૯૬૬ છે.
રાજસ્થાન વિભાગના ખાણ અને પેટ્રોલિયમ વિભાગના અગ્ર સચિવ ટી. રવિકાંતે કહ્યું કે, કોઈ પણ ઘટના અને FIR વચ્ચે મોટો તફાવત છે. જ્યારે વિભાગ પોતે નોટિસ આપીને દંડ વસૂલે છે, ત્યારે તે ઘટના ગણાય છે પરંતુ કોઈ હુમલો કે ચોરી જેવી ગંભીર ઘટના બને ત્યારે જ પોલીસ ફરિયાદ દાખલ કરાય છે. આ કારણે જ કુલ ઘટનાઓની તુલનામાં હ્લૈંઇની સંખ્યા ઓછી છે.’
અહીં એ નોંધવુ પણ જરૂરી છે કે, રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકા રામ જુલીના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું હતું કે, ‘વર્ષ ૨૦૨૪માં જ ખાણ માફિયા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ પર ૯૩ વખત હુમલા કરાયા હતા, જેમાં ૩૧૧ કર્મચારી નિશાન બન્યા હતા.’
રાજસ્થાનમાં ગેરકાયદે ખનન માફિયાઓ વિરુદ્ધ તંત્રની લાલ આંખ જાેવા મળી છે, જેના પરિણામે છેલ્લા સાત વર્ષમાં કુલ રૂ. ૬૩૭.૧૬ કરોડનો માતબર દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, કોંગ્રેસના શાસનકાળ દરમિયાન માત્ર અરવલ્લી પટ્ટાના જિલ્લાઓમાંથી રૂ. ૨૩૧.૭૫ કરોડનો દંડ વસૂલાયો હતો, જ્યારે વર્તમાન ભાજપ શાસનમાં અત્યાર સુધીમાં રૂ. ૧૩૬.૭૮ કરોડની દંડકીય વસૂલાત કરવામાં આવી છે.
ધરપકડ અને સાધનોની જપ્તીના મામલે પણ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા સાત વર્ષમાં ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા ૩,૭૩૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાંથી કુલ ૭૦,૩૯૯ વાહનો અને મશીનો જપ્ત કરવામાં આવ્યા છે. આ જપ્તીના આંકડાઓમાં રાજકીય તુલના કરીએ તો, કોંગ્રેસના શાસનમાં ૨૯,૧૩૮ વાહનો જપ્ત કરાયા હતા, જ્યારે ભાજપના કાર્યકાળમાં અત્યાર સુધીમાં ૧૦,૬૧૬ વાહનો અને મશીનો જપ્ત કરવામાં આવ્યા છે.
પર્યાવરણ સચિવની સમિતિ દ્વારા સૂચવેલી અને ૨૦ નવેમ્બરે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી અરવલ્લીની નવી વ્યાખ્યાને કારણે વિવાદ સર્જાયો છે. નવી વ્યાખ્યા મુજબ, સ્થાનિક ભૂતલથી ૧૦૦ મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી જમીન જ અરવલ્લીની ટેકરી ગણાશે. આ ર્નિણયને કારણે પર્યાવરણપ્રેમીઓમાં ડર છે કે નીચાણવાળા વિસ્તારોમાં ખનન વધશે. જો કે, પર્યાવરણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી વિગતવાર અભ્યાસ ન થાય ત્યાં સુધી અરવલ્લીમાં ખનની કોઈ નવી લીઝ અપાશે નહીં