Last Updated on by Sampurna Samachar
લોકોના જીવ જોખમમાં મુકીને રહેણાંક વિસ્તારમાં કરતો કામગીરી
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી લોકોના જીવ જોખમમાં મુકીને રહેણાંક વિસ્તારમાં ગેસ રિફીલિંગ કરી રહ્યો હતો. તે સબસિડીવાળા ગેસના બાટલામાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેસ રિફીલિંગ કરતો હતો.

જામ ખંભાળિયામાં ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરનારા આરોપીને SOG દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. શહેરના શક્તિનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આ શખ્સ ગેસ રિફીલિંગ કરતા હતો. કારા નંદાણીયા નામના ઈસમ દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. SOG પોલીસને આ અંગે બાતમી મળતા ઘટના સ્થળે રેડ કરવામાં આવી હતી. આ રેડ બાદ આરોપી રહેણાંક મકાનમાં ગેસ રિફીલિંગ કૌભાંડ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.
ગેસ સિલિન્ડર , ઇલેક્ટ્રિક મોટર સહિતનો મુદ્દામાલ જપ્ત
SOG પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન ઘટના સ્થળ પર અલગ અલગ કંપનીના નાના મોટા કુલ ૩૬ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આ ઈસમ સબસિડીવાળા સિલિન્ડરમાંથી ગેસ કાઢીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેસ ભરીને કમાણી કરી રહ્યો હતો.

પોલીસે ૩૬ ગેસ સિલિન્ડર તેમજ ઇલેક્ટ્રિક મોટર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ દ્વારા કારા નંદાણીયા નામના ઇસમ સામે વિસ્ફોટ અધિનિયમની કલમ તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.