Last Updated on by Sampurna Samachar
લાયસન્સની ટેસ્ટમાં પાસ કરાવી આપવાની લાલચ આપી નાણાં ખંખેરતા
RTO તંત્રએ બંને એજન્ટોને રંગે હાથે ઝડપ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ RTO કચેરીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વચેટીયાઓના ત્રાસ સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. લાયસન્સ કઢાવવા જેવી કામગીરી માટે અરજદારો પાસેથી ખોટી રીતે નાણાં પડાવતા બે એજન્ટો સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદ RTOમાં લાંબા સમયથી એજન્ટો સક્રિય હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. તાજેતરમાં બે એજન્ટો લાયસન્સની પ્રક્રિયામાં પાસ કરાવી આપવાના બહાને અરજદારો પાસેથી રોકડ રકમની ઉઘરાણી કરી રહ્યા હતા. RTO ના વિવિધ કામો માટે નિર્ધારિત સરકારી ફી સિવાયના વધારાના નાણાં લેવાની પ્રવૃત્તિ પર વોચ રાખીને RTO તંત્રએ આ બંને એજન્ટોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને એજન્ટોને તાત્કાલિક રાણીપ પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.
RTOની આક્રમક કાર્યવાહીથી કચેરીમાં ફફડાટ
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ એજન્ટો ભોળા અરજદારોને લાયસન્સની ટેસ્ટમાં પાસ કરાવી આપવાની લાલચ આપી નાણાં ખંખેરતા હતા. RTOની આ આક્રમક કાર્યવાહીથી કચેરીમાં ફફડાટ વ્યાપી ગયો છે. RTO સત્તાધીશો દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે કે અરજદારોએ કોઈપણ વચેટીયા કે એજન્ટની જાળમાં ફસાવું નહીં અને તમામ કામગીરી ઓનલાઈન અથવા સત્તાવાર વિન્ડો પર જ કરવી. આ ધરપકડ બાદ પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે.