Last Updated on by Sampurna Samachar
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
લાખણીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આપી હતી હાજરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લામાં સાંસદ ગેનીબેનનુ મોટુ નિવેદન સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ લાખણી તાલુકાના સેદલા ગામે હાલમાં ‘જય શ્રી અંબે ગૌશાળા‘ના લાભાર્થે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેલા સાંસદ ગેનીબેન ઠાકોરે પોતાના વક્તવ્યમાં જીવન અને રાજનીતિમાં ‘ટેકેદારો‘ના મહત્વ પર ભાર મૂકી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

કથા દરમિયાન શ્રોતાઓને સંબોધતા ગેનીબેન ઠાકોરે મહાભારતનો પ્રસંગ ટાંકતા જણાવ્યું હતું કે, “મહાભારત આપણને એ શીખવે છે કે વિજય મેળવવા માટે સંખ્યાબળ કરતાં ટેકેદારની મજબૂતી વધુ મહત્વની છે. જેનો ટેકેદાર મજબૂત હોય, તેનો વિજય નિશ્ચિત હોય છે.”
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “ટેકેદારોની સંખ્યા ઓછી હોય તો ચાલે, પરંતુ જો તેઓ મક્કમ હોય તો અડધું યુદ્ધ ત્યાં જ જીતી શકાય છે. જેનો ટેકેદાર માયકાંગલો હોય એની પાસે ૧૮ અક્ષૌહિણી સેના હોય તો પણ તે હારી જાય છે. એટલે જીવનમાં ટેકેદાર રાખવા હોય તો મજબૂત રાખવા, ભલે સંખ્યામાં થોડા હોય.”
આ કાર્યક્રમ માત્ર રાજકીય નિવેદનો પૂરતો મર્યાદિત ન રહેતા, સામાજિક સૌહાર્દનું પણ કેન્દ્ર બન્યો હતો. કાર્યક્રમ દરમિયાન પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે ગરિમાપૂર્ણ હાજરી આપી હતી. ખાસ વાત એ હતી કે, રાજકીય મતભેદો બાજુ પર મૂકીને પરબત પટેલે સાંસદ ગેનીબેન ઠાકોરના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા, જે દ્રશ્ય સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
સેદલા ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ આ કથામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનને લોકો તેમના તાજેતરના રાજકીય સંઘર્ષ અને જીત સાથે પણ જોડીને જોઈ રહ્યા છે. આ પ્રસંગે અનેક અગ્રણીઓ અને ગ્રામજનોએ ગૌસેવા માટે ઉમળકાભેર દાનની સરવાણી વહાવી હતી.