Last Updated on by Sampurna Samachar
પતિ શારીરિક સંબંધ બાંધવા માટે લેતો હતો દવાઓ
પરિણીતાએ સુરતમાં રહેતા સાસરીયા સામે ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જસદણના જંગવડ ગામે રહેતી પરિણીતાને બાળક લાવવા દબાણ કરતાં સાસરીયા સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. વાત કરીએ તો પતિ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ ન હોવા છતા પુત્રવધુ પર વારસદાર આપવા માટે દબાણ કરી સાસરીયા ત્રાસ ગુજારતા હતાં. જે અંગે પરિણીતાએ સુરતમાં રહેતા સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે હાલ જસદણના જંગવડમાં રહેતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતમાં મોટા વરાછા વિસ્તાર સેટેલાઈટ રોડ પર રહેતા પતિ પાર્થ હસમુખભાઈ પરસાણા, સાસુ જ્યોત્સનાબેન, સસરા હસમુખભાઈ, જેઠ ધાર્મિક, જેઠાણી રિદ્ધિબેન, ફઈજી આશાબેન અને આશાબેનના પતિ શૈલેષભાઈ દેસાઈના નામ આપી જણાવ્યું હતું કે, તેણે એમ.એ.એમ અને આઈ.એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે.
સંતાન બાબતે પરિણીતાને સંભળાવી ત્રાસ આપતા સાસરીયા
વર્ષ ૨૦૨૨ ના તેના લગ્ન સુરતમાં રહેતા પાર્થ પરસાણા સાથે થયા હતા. લગ્ન બાદ તે સંયુક્ત કુટુંબમાં સાસરીયે રહેતી હતી. લગ્ન તથા લગ્ન બાદ પિયરપક્ષ તથા સગા સંબંધીઓ તરફથી મળેલ કરિયાવર તથા ભેટમાં મળેલા કપડાં, દાગીના, રોકડ રકમ લઈ તેઓ સાસરીયે આવ્યા હતા.
લગ્નના બે મહિના બાદ પરિણીતાને જાણ થઈ હતી કે, પતિ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ નથી તે શારીરિક સંબંધ બાંધવા માટે દવાઓ લેતા હોય તેમ છતાં તેઓ શારીરિક સંબંધ બાંધવા માટે અસક્ષમ હતા અને તે અંગે લગ્ન બાદ પરિણીતાએ બે મહિના પછી જેઠાણી તથા પરિવારના સભ્યોને વાત કરી હતી. પરંતુ તેઓ પતિની યોગ્ય સારવાર કરાવવાના બદલે પરિણીતાને જેમ ફાવે તેમ બોલવા લાગેલ.
પરિવારના સભ્યોને આ વાતની જાણ હોવા છતાં પુત્રવધુ પર સંતાન બાબતે સાસુ- સસરા, જેઠાણી સહિતના મેણાટોણા મારી તેમના પરિવારને વારસદાર આપવા દબાણ કરતા પરંતુ તેઓ પતિની તકલીફ જોતા નહીં ઉલટાનું સંતાન બાબતે પરિણીતાને સંભળાવી ત્રાસ આપતા હતા.
ફઇજી આશાબેન તથા તેના પતિ શૈલેષભાઈ અવારનવાર ઘરે આવતા હતા તે તથા સાસુ-સસરા અને જેઠ- જેઠાણી બધા પતિની ચડામણી કરતા હતા જેથી પતિ અવારનવાર પત્ની પર હાથ ઉપાડતો હતો તેમજ સાસરીયાઓ કહેતા હતા કે, પતિને જે તકલીફ છે તે અંગેની કોઈને વાત કરવાની નથી અને ઘરની વાત ઘરમાં રાખવાની છે તેમ કહી પરિણીતાને સંતાન અંગે મેણાટોણા મારી દુ:ખ ત્રાસ આપતા હતા. પરંતુ પરિણીતા ભવિષ્યનો વિચાર કરી આ બધું મોંઘા મોઢે સહન કરતી હતી.
બાદ ગઈ તા. ૧૮/૩/૨૦૨૪ ના પતિ પત્નીને સુરત પિયર મૂકવા આવ્યો હતો અને અહીં એક દિવસ રોકાયો હતો. તે સમયે તેણે સસરા સાથે પણ ગેરવર્તન કર્યું હતું અને જેમ ફાવે તેમ બોલી ગાડી લઈને પત્નીને મૂકીને જતો રહ્યો હતો. ત્યારબાદ પરિણીતા પિતાના ઘરે રહેતી હતી હાલ તે માતા-પિતા સાથે મૂળ વતન જંગવડ ગામે રહે છે.
પતિ મૂકીને ગયા બાદ આજદિન સુધી કોઈ વાતચીત થઈ નથી સમાધાન માટેના પ્રયત્નો કરવા છતાં જવાબ આપતો ન હતો. ઊલટું સાસરિયાઓ પરિણીતાના માતા-પિતાને કહે છે કે, અમારે તમારી દીકરી જોઈતી નથી અને જો પરાણે તમારી દીકરીને મોકલશો તો અમે તેને જીવતી રહેવા નહીં દઈએ તેવી ધમકીઓ આપે છે. જેથી અંતે પરિણીતાએ આ મામલે પતિ સહિતના સાસરીયાઓ સામે આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.