Last Updated on by Sampurna Samachar
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ કર્યો ખૂલાસો
ગાલા ડિનરમાં આ વાતનો ખુલાસો કર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલીએ પહેલીવાર મોટો ખુલાસો કર્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે, તેણે બે દિવસ પહેલા જ દાઢી રંગી હતી. વિરાટ કોહલીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ દ્વારા આયોજિત ખાસ ગાલા ડિનરમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગૌરવ કપૂરે એક ખાસ વાતચીત સેશનનું આયોજન કર્યું હતું. શરૂઆતમાં વિરાટ કોહલી સ્ટેજ પર નહોતો, પરંતુ પછીથી તે અન્ય દિગ્ગજો સાથે સ્ટેજ પર આવ્યો હતો. મીટ એન્ડ ગ્રીટ સેગમેન્ટમાં જ્યારે ગૌરવ કપૂરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો વિષય ઉઠાવ્યો, ત્યારે કોહલીએ હસીને કહ્યું કે, મેં બે દિવસ પહેલા જ દાઢી રંગી છે… જ્યારે તમારે દર ચાર દિવસે દાઢી રંગવી પડે, ત્યારે તમને સમજાય જાય છે કે સમય આવી ગયો છે!
મારી સફરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ રહ્યા
કોહલીએ સ્ટેજ પર પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી સાથેના પોતાના મજબૂત સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, જો શાસ્ત્રીનું સમર્થન ન હોત, તો તેમનું ટેસ્ટ કરિયર એવું ન હોત, જેવું રહ્યું. વધુમાં વિરાટે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો, જો મેં રવિ ભાઈ સાથે કામ ન કર્યું હોત… તો ટેસ્ટ ક્રિકેટમાં જે કંઈ થયું તે ક્યારેય સંભવ ન હોત. તેમણે જે રીતે મને પ્રેસ કોન્ફરન્સમાં ફ્રન્ટલાઈન પર ઉભા રહીને ટેકો કર્યો, તે દુર્લભ છે. તેઓ મારી સફરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે.
લંડનમાં આ ઈવેન્ટ યુવરાજ સિંહના ફાઉન્ડેશન માટે ફંડ એકત્ર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. આ ખાસ સાંજે આખી ભારતીય ક્રિકેટ ટીમ અને ગૌતમ ગંભીરના નેતૃત્વમાં સપોર્ટ સ્ટાફ હાજર રહ્યો હતો. ડિનરની શરૂઆત થાય તે પહેલાં માહોલ વધુ ખાસ બની ગયો જ્યારે સ્ક્રીન પર વિરાટ કોહલીને તેના જૂના મિત્ર કેવિન પીટરસન સાથે વાતચીત કરતા બતાવવામાં આવ્યો. તે બંન્ને હસી-મજાક કરતા અને એક સાથે જમતા કેમેરામાં કેદ થયા.
ભારતના પૂર્વ ક્રિકેટરના આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર, ક્રિસ ગેલ, કેવિન પીટરસન, બ્રાયન લારા અને આશિષ નેહરા જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સની સાથે-સાથે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમે પણ ભાગ લીધો હતો. લગભગ એક કલાક ત્યાં રોકાયા બાદ, ટીમ હોટેલ જવા રવાના થઈ ગઈ હતી.