Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના નિવેદનથી માહોલમાં ગરમાવો
એક જાહેર કાર્યક્રમમાં આપ્યુ વિવાદીત નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની અવામ મોરચાના નેતા જીતન રામ માંઝીએ એક જાહેર કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર અને કમિશનને લઈને આપેલા નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. માંઝીએ દાવો કર્યો છે કે તમામ સાંસદો અને ધારાસભ્યો વિકાસ કામોમાં કમિશન લે છે તેમજ હું પણ મારી પાર્ટીના ધારાસભ્યોને પણ આવું કરવાની સલાહ આપું છું.

ગયાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પૂર્વ મુખ્યમંત્રી માંઝીએ કહ્યું, ‘જો તમે ૧૦ ટકા કમિશન નથી લઈ શકતા, તો ઓછામાં ઓછું ૫ ટકા તો લો. દરેક સાંસદ અને ધારાસભ્ય કમિશન લે છે.‘ તેમણે ગણિત સમજાવતા કહ્યું કે, ‘જો વિકાસ કાર્યો માટે ૫ કરોડ રૂપિયા મળે છે અને તેમાં ૧૦ ટકા કમિશન મળે તો તે ૪૦ લાખ રૂપિયા થાય છે.
NDA માટે મુશ્કેલ સ્થિતિ સર્જી દીધી
માંઝીએ એમ પણ ઉમેર્યું કે તેમણે પોતે પણ ઘણીવાર કમિશનના પૈસા પાર્ટી ફંડમાં આપ્યા છે અને આ ફંડનો ઉપયોગ કાર ખરીદવા માટે પણ થઈ શકે છે. કમિશનના નિવેદન ઉપરાંત, જીતન રામ માંઝીએ NDA ગઠબંધનમાં પોતાની ઉપેક્ષા થતી હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો છે.
તેમણે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે ગઠબંધનમાં તેમની અને તેમની પાર્ટી ‘હિન્દુસ્તાની આવામ મોરચાની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે. માંઝીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો તેમની પાર્ટીને રાજ્યસભામાં યોગ્ય પ્રતિનિધિત્વ એટલે કે એક બેઠક ફાળવવામાં નહીં આવે, તો તેઓ પોતાના રાજકીય ભવિષ્ય અને ગઠબંધનમાં રહેવા અંગે પુન:વિચાર કરવા મજબૂર થશે.
તેમણે મંત્રી પદનો ત્યાગ કરવાની પણ તૈયારી દર્શાવતા કહ્યું કે, ‘જો અમને અમારો હક નહીં મળે, તો અમારે અમારો રસ્તો પોતે બનાવવો પડશે. મંત્રી પદ મારા માટે કોઈ મોટી વાત નથી; જો હું કેન્દ્રીય મંત્રીમંડળમાં નહીં રહું, તો પણ મારું રાજકીય અસ્તિત્વ અકબંધ રહેશે.‘ માંઝીના આ કડક વલણે બિહારના રાજકારણમાં અને ખાસ કરીને સત્તાધારી ગઠબંધનમાં નવી ચર્ચાઓ અને ચિંતા જગાવી છે.
આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જીતન રામ માંઝીએ પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓ સ્પષ્ટ કરતાં NDA માટે મુશ્કેલ સ્થિતિ સર્જી દીધી છે. માંઝીએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટીએ આગામી ચૂંટણીમાં ૧૦૦ બેઠકો પર ચૂંટણી લડવી જોઈએ અને જો ગઠબંધન દ્વારા તેમની આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તેઓ એકલા હાથે એટલે કે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા પણ તૈયાર છે. તેમને પોતાની જ્ઞાતિના મજબૂત સમર્થનની સાથે સાથે અન્ય જ્ઞાતિઓના સાથની પણ પૂરેપૂરી અપેક્ષા છે.
માંઝીની આ કબૂલાત અને આક્રમક વલણને કારણે ભાજપ સહિતના સાથી પક્ષો માટે બેઠકોની વહેંચણી માથાનો દુખાવો બની શકે તેમ છે, જ્યારે બીજી તરફ વિપક્ષી દળોને સત્તાધારી ગઠબંધનમાં ચાલી રહેલા આંતરિક ડખ્ખા મુદ્દે સરકાર પર પ્રહાર કરવાની એક મોટી તક મળી ગઈ છે.