Last Updated on by Sampurna Samachar
ભાજપે તો તેમને ટિકિટ આપી જ નહોતી
આ મામલે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં નગર પાલિકા ચૂંટણી ૨૦૨૬ ને લઈને તમામ પાર્ટીઓએ પૂરી તૈયારી કરી દીધી છે. જ્યાં તમામ પાર્ટીના નેતાઓ ટિકિટ મેળવવા માટે ધમપછાડા કરી રહ્યા છે. આ વચ્ચે ઘણા વોર્ડમાં એક જ પક્ષના બે નેતાઓ પરસ્પર ટકરાઈ રહ્યા છે. તો બીજી તરફ કેટલાક નેતાઓ ચોરી-છુપકે પોતાની પાર્ટીનું નામ જણાવ્યા વિના જ ફોર્મ ભરી રહ્યા છે. હવે આવો જ એક મામલો મુંબઈના વોર્ડ નંબર ૧૭૩માંથી પણ આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અહીં ભાજપના એક નેતાએ નકલી એબી ફૉર્મ જોડીને ઉમેદવારી નોંધાવી દીધી છે. બાદમાં ખુલાસો થયો કે, ભાજપે તો તેમને ટિકિટ આપી જ નહોતી અને ત્યાંથી બીજા ઉમેદવારને પણ ચૂંટણી મેદાનમાં ઉતારી દેવામાં આવ્યો છે.
ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાઇ
આ મામલે હવે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ભાજપનો આરોપ છે કે કેકે શિલ્પા કેલુસ્કરે નકલી એબી ફૉર્મ ભરીને જોડી દીધું છે. ભાજપે તેમને કોઈ પણ ફૉર્મ ભરવા માટે નહોતું આપ્યું. ભાજપ મુંબઈ પ્રેસિડેન્ટ અમિત સાટમે આ મામલે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે. પત્રની મદદથી મ્યુનિસિપલ ઈલેક્શન ડિસિઝન ઓફિસરને શિલ્પા કેલુસ્કરનું એબી ફૉર્મ અને તેમની ઉમેદવારી રદ કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. ભાજપ તેમને ચૂંટણી માટે બિલકુલ પણ સપોર્ટ નથી કરી રહી.
તમને જણાવી દઈએ કે, શિલ્પા કેલુસ્કરને ભાજપ દ્વારા એબી ફૉર્મ આપવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં પાર્ટીએ ફૉર્મ પરત લઈ લીધું હતું. પાછળથી જાણવા મળ્યું કે, શિલ્પા કેલુસ્કરે નકલી એબી ફૉર્મ તૈયાર કરીને પોતાની અરજી સાથે જોડી દીધુ હતું. આ મામલે ભાજપના એક નેતાએ એ પણ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.