Last Updated on by Sampurna Samachar
અમેરિકા અને યુરોપ વચ્ચેની ડીલને અંતિમ સ્વરૂપ અપાશે
મોટાભાગના લોકો મુક્ત વેપાર કરાર પર ભાર મૂકી રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) પર થઈ રહેલી ચર્ચાઓ સકારાત્મક રૂપે આગળ વધી રહી હોવાનું જણાવ્યું છે. તેમજ ટૂંક સમયમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
જો અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે આ ડીલ થઈ તો ભારતને ૨૦૩૦ સુધી ૨ લાખ કરોડ ડોલર અર્થાત રૂ. ૧૭૨ લાખ કરોડનો નિકાસ લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ મળશે. આ ડીલ માટે ભારત તરફથી તમામ સંભવિત પ્રયાસ થઈ રહ્યા હોવાનું નાણામંત્રીએ જણાવ્યું છે.
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની નિકાસ ૬.૩ ટકાના દરે વધી
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે પહેલાંથી જ યુએઈ, ઓસ્ટ્રેલિયા સહિત ચાર દેશો સાથે EFTA (યુરોપિયન ફ્રી ટ્રેડ યુનિયન) બ્લૉક સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યો છે. બ્રિટન સાથે આ મુદ્દે ચર્ચાઓ પૂરી થઈ છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથે વાતચીત થઈ રહી છે. જેને ટૂંકસમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ લાભ ભારત, યુરોપ, અને અમેરિકાને મળશે.
નાણામંત્રીએ EXIM બેન્ક દ્વારા આયોજિત એક સંમેલનમાં આ અંગે જણાવ્યું હતું કે, હવે મોટાભાગના લોકો મુક્ત વેપાર કરાર પર ભાર મૂકી રહ્યા છે. ૨૦૨૪-૨૫માં ગુડ્સ એન્ડ સર્વિસિઝની કુલ નિકાસ ૮૨૫ અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. જે ૨૦૨૩-૨૪ની તુલનાએ ૬ ટકા વધુ છે.
ભારત વિવિધ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા ચર્ચાઓ કરી રહ્યું છે. યુએઈ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મોરિશિયસ, સાઉથ કોરિયા, જાપાન સહિતના દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ધરાવે છે.વૈશ્વિક નિકાસમાં માત્ર ૪ ટકા ગ્રોથ જોવા મળ્યો છે. જ્યારે વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની નિકાસ ૬.૩ ટકાના દરે વધી છે.
નાણા મંત્રીએ નિકાસકારોને સંભવિત તમામ મદદ કરવાનું વચન આપતાં ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. તેમજ પ્રોડક્ટ્સ માટે નવા બજારની તકો શોધવા પણ કહ્યું છે. નાણા સચિવ એમ. નાગરાજુએ જણાવ્યું હતું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થા જિઓ-પોલિટિકલ પડકારોનો સામનો કરી રહ્યું હોવા છતાં ભારતમાં આર્થિક ગ્રોથની સંભાવનાઓ જોવા મળી છે. વિશ્વમાં ભારત પ્રત્યે આશાનું કિરણ જોવા મળ્યું છે. વિવિધ રેટિંગ એજન્સીઓએ ભારતનો ચાલુ નાણાકીય વર્ષ માટેનો GDP ગ્રોથ અંદાજ વધાર્યો છે.
મેડિકલ, ડાયમંડ અને જ્વેલરી સેક્ટરમાં નિકાસ સતત વધી રહી છે. જેમાં નાણા મંત્રાલય નીતિ, યોજનાઓ અને નાણાકીય સહાયતાના માધ્યમથી સમર્થન આપવા પ્રતિબદ્ધ હોવાનું જણાવતાં ર્નિમલા સીતારમણે આગળ કહ્યું કે, અમારી નાણાકીય પ્રણાલીઓ પર્યાપ્ત મૂડી અને ઓછી એનપીએ સાથે મજબૂત બની રહી છે. જેનાથી ભારતની નાણાકીય જરૂરિયાતોને મજબૂત સમર્થન મળ્યું છે.