Last Updated on by Sampurna Samachar
વેનેઝુએલાના એટર્ની જનરલે મચાડોને ચેતવણી આપી
આતંકવાદ સાથે જોડાયેલા આરોપો પણ સામેલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૦૨૫નો શાંતિનો નોબેલ પુરસ્કાર વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોએ જીત્યો છે. નોબેલ પુરસ્કાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦ ડિસેમ્બરે ઓસ્લોના સિટી હૉલમાં આયોજિત ઇવેન્ટમાં આપવામાં આવશે.

મારિયા દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવીને ખુશ છે અને તેમણે કહ્યું કે, તેઓ પુરસ્કાર લેવા માટે નૉર્વે જશે. પરંતુ, વેનેઝુએલાના એટર્ની જનરલે ચેતવણી આપી છે કે, અનેક ગુનાઈત કેસોમાં જેલમાં રહેલા મચાડો જો દેશની બહાર જાય છે તો તેમને ફરાર જાહેર કરી દેવામાં આવશે.
આતંકવાદ સાથે જોડાયેલા આરોપો પણ સામેલ
મચાડો વેનેઝુએલામાં લોકતંત્ર અને માનવાધિકારો માટે સંઘર્ષ કરે છે. સરકારે તેમની સામે અનેક ગુનાઈત કેસ દાખલ કર્યા છે, જેમાં આતંકવાદ સાથે જોડાયેલા આરોપો પણ સામેલ છે. ૫૮ વર્ષના મચાડોએ જણાવ્યું કે, તેઓ વેનેઝુએલામાં સંતાઇને રહેતા. ગત અઠવાડિયે તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ ૧૦ ડિસેમ્બરે આયોજિત સમારોહ માટે નૉર્વેની રાજધાની ઓસ્લોમાં જવા ઇચ્છે છે.
અહેવાલો અનુસાર, વેનેઝુએલાના એટર્ની જનરલ, તારેક વિલિયમ સાબે ચેતવણી આપી છે કે, મચાડો અનેક ગુનાઈત કેસોનો સામનો કરી રહ્યા છે અને જો તે પુરસ્કાર માટે વિદેશ જાય છે, તો તેમને ‘ફરાર‘ જાહેર કરવામાં આવશે. તેમના પર કાવતરૂં, આતંકવાદ સાથે જોડાયેલા આરોપો પણ સામેલ છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મચાડો કેરેબિયન સાગરની આસપાસ અમેરિકન સૈન્ય દળોની તૈનાતીને સમર્થન આપે છે. જેના કારણે તેમના સામે તપાસ ચાલી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની સરકાર વિરૂદ્ધ ‘એન્ટી ડ્રગ મિશન‘ અંતર્ગત વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ, યુદ્ધ જહાજ અને ફાઇટર જેટ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા છે. જોકે, પ્રમુખ નિકોલસ માદુરોનો દાવો છે કે, ટ્રમ્પનું આ પગલું તેમની વામપંથી સરકારને તોડી પાડવાનો પ્રયાસ છે.
તેલથી સમૃદ્ધ આ દક્ષિણ અમેરિકન દેશ ૨૦૧૫થી અમેરિકન પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે. ૨૦૧૭માં પોતાના પહેલાં કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે સાર્વજનિક રૂપે વેનેઝુએલા પર સૈન્ય હુમલો કરવાનો સંકેત આપ્યો છે. પોતાના બીજા કાર્યકાળમાં તેઓ વેનેઝુએલા પર અન્ય અધિક હુમલાવર થઈ ગયા છે.
ટ્રમ્પ વહીવટી તંત્રએ માદુરો પર ડ્રગ કાર્ટેલનો આરોપ લગાવતા કથિત ડ્રગ બોટ્સ પર કાર્યવાહી પણ કરી છે. અહેવાલો અનુસાર, કેરેબિયન અને પ્રશાંત ક્ષેત્રમાં કથિત ડ્રગ બોટ્સ પર અમેરિકન હુમલામાં ઓછામાં ઓછા ૮૩ લોકોના મૃત્યુ નિપજ્યા છે. માદુરોની સરકારે આ જહાજ પર કરાયેલા અમેરિકન હુમલાને ગેરકાયદે કરાયેલી હત્યા કરાર કરી.