Last Updated on by Sampurna Samachar
ભૂમિકા ૨૦૧૭થી પોલીસમાં ફરજ બજાવી રહી હતી
પિતાને છેલ્લો મેસેજ આપી ઝેરી દવા પી લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેરમાં ૨૭ વર્ષીય ભૂમિકા ચૌહાણ નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાની બીમારીથી કંટાળીને જીવન ટુંકાવ્યું હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મહિલા કોન્સ્ટેબલ ભૂમિકા ચૌહાણે સવારે તેના પિતાના વોટ્સએપ પર અંતિમ મેસેજ છોડી ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે, જે મામલે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોત રજીસ્ટર કરવામાં આવી છે.
આ અંગે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના પીઆઇ વિક્રમ વસાવાએ વધુમાં જણાવ્યું કે, ભૂમિકા ચૌહાણે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ આત્મઘાતી પગલું ભરતા પહેલા સવારના ૧૧:૦૦ વાગ્યાના અરસામાં તેણે પોતાના પિતા કનકસિંહ ચૌહાણને વોટ્સએપ પર અંતિમ મેસેજ કર્યો હતો કે, ‘મારી બીમારીનો કોઈ ઈલાજ નથી. હું દવા પીને કંટાળી ચૂકી છું. તમે બધાએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે. ત્યારે હું દવા પી આત્મહત્યા કરી રહી છું. આના માટે કોઈપણ જવાબદાર નથી.‘
અગાઉ પણ ભૂમિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ
આ પ્રકારનો મેસેજ મળતા જ પરિવારજનો દ્વારા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભૂમિકા ચૌહાણનો સતત ફોન દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. પરંતુ ભૂમિકા ચૌહાણનો ફોન સતત નો રીપ્લાય આવી રહ્યો હતો. ત્યાર બાદ પરિવારજનો રાજકોટ શહેર પોલીસ દ્વારા ભૂમિકા ચૌહાણને ફાળવવામાં આવેલા પોલીસ ક્વાર્ટર ખાતે પણ પહોંચ્યા હતા. જ્યાં જોર જોરથી દરવાજો ખખડાવ્યા બાદ પણ ભૂમિકા ચૌહાણે દરવાજો ન ખોલતા પરિવારજનોએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં ભૂમિકા બેભાન હાલતમાં જણાઈ રહી હતી.
બાદમાં પરિવારજનોએ તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી અને ઇમર્જન્સી વોર્ડમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી છે. આ મામલે પોલીસ દ્વારા ભૂમિકાના માતા-પિતાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં પરિવારજનોએ ભૂમિકાને આંચકી અને વાઈની બીમારી હોવાનું જણાવ્યું હતું. તેમજ તેની ઘણા વર્ષોથી દવા પણ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
નોંધનીય છે કે, મૃતક મહિલા કોન્સ્ટેબલ ભૂમિકા ચૌહાણ વર્ષ ૨૦૧૭માં ગુજરાત પોલીસમાં જોડાઈ હતી. તેમજ અગાઉ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન તેમજ હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ભૂમિકા અગાઉ બેથી ત્રણ વખત ઊંઘની ગોળીનો ઓવરડોઝ તેમજ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.