Last Updated on by Sampurna Samachar
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર , ગેનીબેનના પોલીસ પર પ્રહાર
ધાનેરા ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલ્યા સાંસદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ધાનેરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે ફરી એકવાર રાજ્યની દારૂબંધીના કાયદાના અમલને લઈને પોલીસની નીતિ પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “ગુજરાતની પોલીસ ધારે તો ૧૨ કલાકમાં દારૂ બંધ કરાવી શકે છે, પણ તેમના હાથ બંધાયેલા છે.”

સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ વિભાગમાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચાર પર ધ્યાન દોરતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “અહીં હપ્તા રાજ ચાલે છે, ઉપરથી દબાણ ચાલે છે અને હવે તો ઉપરથી ટાર્ગેટ આપવામાં આવે છે.” આ આક્ષેપો સૂચવે છે કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે.
પોલીસ તંત્ર અને સરકારની કામગીરી પર મોટો સવાલ
વધુમાં ગેનીબેને કટાક્ષ કરતા કહ્યું કે, “જે પોલીસ વિભાગમાં વધુ દારૂ વેચે તેમને અભિનંદન અપાય છે. સાંસદ ગેનીબેન ઠાકોરના મતે, આ સ્થિતિને કારણે ગુજરાત અને ખાસ કરીને ધાનેરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોવાની વાત કરી છે. તેમણે સરકાર પર નિષ્ફળતાનો આરોપ મૂકતા કહ્યું કે જો પોલીસને મુક્તપણે અને ઈમાનદારીથી કામ કરવા દેવામાં આવે તો રાજ્યમાં દારૂબંધીનો કાયદો અસરકારક રીતે લાગુ થઈ શકે તેમ છે.
કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં પ્રવર્તમાન કથળેલી કાયદો-વ્યવસ્થા, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર લોકોનો અવાજ બનીને સરકારનું ધ્યાન દોરવાનો છે. ગેનીબેન ઠાકોરના આ આકરા નિવેદનોએ રાજ્યના પોલીસ તંત્ર અને સરકારની કામગીરી પર એક મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.