Last Updated on by Sampurna Samachar
ઝાંસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા અંગે ઉમા ભારતીનુ નિવેદન
હું હજુ રાજકારણથી દૂર નથી થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપની વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે ફરી એકવાર કહ્યું કે, જો પાર્ટી કહે તો હું ૨૦૨૯ની લોકસભા ચૂંટણી લડી લઈશ. આ દરમિયાન તેમણે યુપીની એક બેઠકનું પણ નામ લીધું છે, જ્યાંથી તેઓ ચૂંટણી લડવા માંગે છે. અગાઉ પણ તેમણે કહ્યું હતું કે, હું હજુ રાજકારણથી દૂર નથી થઈ.
ઉમા ભારતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, મેં લલિતપુરના આત્મીય મીડિયા મિત્રો સાથે કહ્યું છે કે જો પાર્ટી કહેશે તો હું ૨૦૨૯ની ચૂંટણી ચોક્કસ લડીશ, પરંતુ હું માત્ર ઝાંસી લોકસભા બેઠક પરથી જ ચૂંટણી લડીશ. તેઓએ આ પોસ્ટમાં ભાજપના કેન્દ્રીય અને મધ્યપ્રદેશના નેતૃત્વને પણ ટૅગ કર્યું છે.
અનુરાગ શર્મા આ બેઠક પરથી સતત બીજી વખત સાંસદ
ઉમા ભારતીએ લલિતપુરમાં કહ્યું હતું કે, હું માત્ર ઝાંસીમાંથી જ ચૂંટણી લડીશ. બુંદેલખંડ મારું ભાવનાત્મક ઘર છે અને ત્યાંની જનતા સાથે મારો ગાઢ સંબંધ છે. જો પાર્ટી કહેશે, તો હું જરૂર ચૂંટણી લડીશ.
ઉમા ભારતી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ઝાંસીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે આ વર્ષે ઓગસ્ટમાં પણ કહ્યું હતું કે, તેઓ હજી રાજકારણથી દૂર નથી થયા અને યોગ્ય સમયે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભાજપે છેલ્લાં ત્રણ લોકસભા ચૂંટણીથી સતત ઝાંસી બેઠક જીતેલી છે. હાલમાં ભાજપના અનુરાગ શર્મા આ બેઠક પરથી સતત બીજી વખત સાંસદ છે.