Last Updated on by Sampurna Samachar
કરાંચી ખાતે કાર્યક્રમમાં આર્મી ચીફ આસિમ મુનીરે ઝેર ઓંક્યુ
પાકિસ્તાને શાંતિ સ્થાપિત કરવા મહત્વની ભુમિકા ભજવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે ફરી એકવાર ભારત વિરૂદ્ધ ઝેર ઓંક્યું છે. બંને દેશો વચ્ચે સીઝફાયર થયા બાદ મુનીરે ફરી ભારતને ધમકી આપતાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ભારતને દુશ્મન કહી બદલો લેવા ઉશ્કેર્યા હતાં.
મળતી માહિતી અનુસાર કરાંચી ખાતે પાકિસ્તાન નવલ એકેડમીમાં પાસિંગ આઉટ પરેડ દરમિયાન મુનીરે બંને દેશો વચ્ચે તણાવ વધારતું ધમકીભર્યું નિવેદન આપ્યું હતું કે, જો દુશ્મન દેશ તણાવ વધારશે તો આખા પ્રદેશમાં અત્યંત ગંભીર પરિણામ ભોગવવા પડશે. જેનો જવાબદાર દુશ્મન જ રહેશે.
પાકિસ્તાની મુનીરનો બફાટ
મુનીરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવી કાશ્મીરમાં આતંક મચાવનારાઓને સન્માન આપતાં કહ્યું કે, આપણે અત્યારે કાશ્મીરી ભાઈઓની કુરબાનીને નિશ્ચિતપણે યાદ કરવાની છે. તેઓ ભારત વિરૂદ્ધ લડી રહ્યા છે. પાકિસ્તાન યુએનના સુધારાઓ અને કાશ્મીરી લોકોની મહત્ત્વાકાંક્ષાઓ સાથે કાશ્મીરનો મુદ્દો ઉકેલવા મજબૂત સમર્થન આપી રહ્યું છે.
મુનીરે ભારતને ધમકી આપતાં કહ્યું કે, જો કોઈ પણ દુશ્મન પાકિસ્તાન વિશે એવું વિચારશે કે, તે કોઈ જવાબ આપશે નહીં અને અમે અમારી સમસ્યાઓથી ઘેરાયેલા રહીશું, તો તે તેની મોટી ભૂલ છે. અમે તેને આકરો જવાબ આપીશું. વિસ્તારમાં તણાવ વધારવાની જવાબદારી તેની જ રહેશે. તેના માઠા પરિણામો પણ ભોગવવા પડશે.
મુનીરે આટલેથી જ ન અટકતાં પોતાની અડોડાઈ બતાવતાં આગળ કહ્યું કે, ભારતે પાકિસ્તાનને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો અમે મજબૂતીથી જવાબ આપ્યો છે. તેનાથી અમે રાષ્ટ્રીય સન્માનની રક્ષા જ નહીં પરંતુ ક્ષેત્રમાં વધી રહેલો તણાવ અટકાવ્યો હતો. ભારતે ઉશ્કેર્યા હોવા છતાં પાકિસ્તાને સંયમ અને પરિપક્વતા સાથે કામ લીધું અને ક્ષેત્રમાં શાંતિ તથા સ્થિરતા જળવાઈ રહી. પાકિસ્તાને શાંતિ સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
પહલગામ હુમલા પહેલાં જ મુનીરે જાહેરમાં કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ તરીકે દર્શાવી હતી. મુનીરે કહ્યું હુતં કે, કાશ્મીર અમારા ગળાની નસ છે અને રહેશે. અમે તેને ક્યારેય ભૂલીશુ નહીં. ત્યારબાદ પહલગામમાં આતંકી હુમલો થયો હતો. જેમાં ૨૬ નિર્દોષ પર્યટકોએ જીવ ગુમાવ્યા હતાં.