Last Updated on by Sampurna Samachar
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી
પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ દુષ્કર્મ કેસ મામલે દિલ્હી હાઇકોર્ટનો તાજેતરનો આદેશ છે, જેમાં આરોપી પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને જામીન આપવામાં આવ્યા હતા. આનાથી પીડિતાના જૂના ઘા ફરી તાજા થયા છે. આ આદેશ બાદ, પીડિતાએ પોતાની દુર્દશા વિશે વાત કરી. તેણે આરોપ લગાવ્યો કે ઇન્ડિયા ગેટ વિરોધ દરમિયાન, પોલીસે મને બળજબરીથી વાહનમાં બેસાડી, ખેંચી અને ધક્કો માર્યો. મારા આખા શરીરમાં લગભગ ૨૫૦ ટાંકા છે, અને મારા હાથ અને પગમાં સળિયા નાખવામાં આવ્યા છે. છતાં, પોલીસે મને ખેંચી જેનાથી મને ખૂબ દુખાવો થયો.”

દિલ્હી હાઇકોર્ટના ર્નિણય પર પ્રતિક્રિયા આપતા પીડિતાએ કહ્યું કે, હું હાઇકોર્ટ ગઈ. ચુકાદો સાંભળતી વખતે મેં વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પણ મારું કોણ સાંભળે? આખી ચર્ચા અંગ્રેજીમાં થઈ. જો ચર્ચા હિન્દીમાં હોત, તો કદાચ હું પૂછી શકી હોત કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે.
પોલીસ અને કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરી
હવે મને સમજાયું કે સામાન્ય લોકો, ખાસ કરીને ગરીબ અને પીડિત મહિલાઓ માટે ન્યાય કેટલો જટિલ બની ગયો છે. ચુકાદા પછી હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી. હું એટલી દુ:ખી હતી કે મને આપઘાત કરવાનું મન થયું. પણ પછી મેં મારા બાળકો તરફ જોયું અને મારા પરિવાર વિશે વિચાર્યું. મૃત્યુ ન્યાય નહીં આપે, જો ભગવાને મને જીવતી રાખી છે, તો કદાચ સંઘર્ષ માટે રાખી છે. મારો સીધો સવાલ છે કે, જો આવા જઘન્ય ગુનાના આરોપીને જામીન મળી શકે તો પીડિત અને સાક્ષીઓ કેવી રીતે સુરક્ષિત રહેશે?
આ વિશે વધુમાં પીડિતાએ આરોપ લગાવ્યો કે, જામીનની પ્રક્રિયા દરમિયાન અને ત્યારબાદ મારા પરિવાર, વકીલો અને સાક્ષીઓની સુરક્ષા ધીમે ધીમે પાછી ખેંચી લેવામાં આવી. મારા કાકાના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ પછી અમારા સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. અમે પોલીસ અને કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરી હતી, પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. જ્યારે આરોપી પ્રભાવશાળી હોય છે, ત્યારે ડર ફક્ત જેલમાંથી બહાર નીકળવાનો જ નહીં, પરંતુ તેના સમર્થકો અને નેટવર્કનો પણ હોય છે.
ભવિષ્ય વિશે વાત કરતી વખતે પીડિતાની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું કે, આજે મારી સાથે આવું થયું. કાલે મારી દીકરી સાથે પણ આવું થઈ શકે છે, મારા દીકરા સાથે પણ આવું થઈ શકે છે. હું એક માતા છું, મેં એ સહન કર્યું છે. પણ મારી દીકરી એ કેવી રીતે સહન કરશે? આ ચુકાદાથી ફક્ત હું જ નહીં, પરંતુ ન્યાયની આશા સાથે જીવતી દરેક દીકરી ડરી ગઈ છે.