Last Updated on by Sampurna Samachar
CM રેખા ગુપ્તા પર હુમલો કરનારની ધરપકડ
મુખ્યમંત્રી નિવાસસ્થાને હાજર એક પ્રત્યક્ષદર્શીએ કરી વાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુખ્યમંત્રી નિવાસસ્થાને જનસુનાવણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલામાં દિલ્હી પોલીસે રાજકોટના એક વ્યક્તિની ધરપકડ કરી છે. હાલ, તેને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીને થપ્પડ મારી હતી. ખૂબ જ જોરથી અવાજ સંભળાયો અને પછી પોલીસ આરોપીને લઈ ગઈ હતી.

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી રેખા ગુપ્તા જન સંવાદ કરી રહ્યા હતા. જેમાં તેઓ લોકોની સમસ્યા સાંભળે છે. આ દરમિયાન એક વ્યક્તિ મુખ્યમંત્રી પાસે આવ્યો અને તેમના પર હુમલો કર્યો હતો. આ વ્યક્તિનું નામ રાજેશ ખિમજી સાકરિયા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ વ્યક્તિ અહીં કેમ આવ્યો હતો અને તેણે આવું શું કામ કર્યું તે અંગેની પૂછપરછ ચાલી રહી છે.
પોલીસ તપાસમાં મામલો બહાર આવશે
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર રાજકોટના ૪૧ વર્ષના રાજેશ ખિમજી સાકરિયાએ હુમલો કર્યો હતો. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આરોપીએ મુખ્યમંત્રી રેખા ગુપ્તાને થપ્પડ મારી હતી. રાજેશે તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.
દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, સિવિલ લાઇન્સ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને જનસુનાવણી દરમિયાન બનેલી ઘટનાની ભાજપ સખત નિંદા કરે છે. પોલીસ તપાસમાં મામલો બહાર આવશે.
વીરેન્દ્ર સચદેવાએ એમ પણ કહ્યું કે, તેમને આશ્ચર્ય થાય છે કે કોઈ એક મહિલા સાથે આવું કેવી રીતે કરી શકે છે. ખાસ કરીને જ્યારે તે મુખ્યમંત્રી હોય અને ૧૮ કલાક કામ કરતી હોય. તે વ્યક્તિ પકડાઈ ગઈ છે, જે કંઈ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. ડૉક્ટરની ટીમ મુખ્યમંત્રી પાસે પહોંચી ગઈ છે. રાજકારણમાં હિંસા માટે કોઈ સ્થાન નથી.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર યાદવે કહ્યું કે, આ ખૂબ જ દુ:ખદ છે. મુખ્યમંત્રી સમગ્ર દિલ્હીનું નેતૃત્વ કરે છે અને મને લાગે છે કે, આવી ઘટનાની જેટલી નિંદા થાય તેટલી ઓછી છે, પરંતુ આ ઘટના મહિલાઓની સુરક્ષાની વાસ્તવિકતાને પણ ઉજાગર કરે છે. જો દિલ્હીના મુખ્યમંત્રી સુરક્ષિત નથી, તો પછી એક સામાન્ય માણસ કે, સામાન્ય મહિલા કેવી રીતે સુરક્ષિત રહી શકે?