Last Updated on by Sampurna Samachar
બાંગ્લાદેશ આર્થિક રીતે પાયમાલ થઇ રહ્યુ હોવાના અહેવાલ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર મોટાપાયે અત્યાચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
૧૦૪.૪૮ અબજ ડોલર એટલે કે લગભગ ૮.૭ લાખ કરોડ રૂપિયાના કરજમાં ડૂબેલું બાંગ્લાદેશ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યું છે. રાજકીય અસ્થિરતા અને હિંસાએ દેશને ડામાડોળ કરી નાખ્યો છે. કંપનીઓ બાંગ્લાદેશ છોડી રહી છે. દેશ ૧૪ ટકાની ઝડપે વધી રહેલા દેવાના દળદળમાં ફસાઈ રહ્યો છે. જે બાંગ્લાદેશમાં લોકોને ખાવાના સાંસાં પડી રહ્યા છે તે હવે ભારતને ધમકાવી રહ્યું છે. ભારતને પોકળ ધમકીઓ આપતા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર મોટાપાયે અત્યાચાર થઈ રહ્યા છે. તેણે ભારતમાં પોતાની વિઝા સેવા પણ બંધ કરી.

બાંગ્લાદેશે પોતાની બરબાદીની કહાની પોતે જ લખી છે. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ ત્યાં સ્થિતિ બગડી છે. વિદ્રોહ ચરમ સીમાએ છે, રસ્તાઓ લોહીથી લાલ છે, લોકોને જીવતા બાળી મૂકવામાં આવે છે, જે દેશની અર્થવ્યવસ્થા ખાડે ગઈ હોય ત્યાં હિસા વકરી રહી છે. જેને ભારતે આઝાદી અપાવી, જે એક સમયે ભારતને ઈકોનોમીમાં ટક્કર આપી રહ્યું હતું હવે તે બદતર સ્થિતિમાં પહોંચી ગયું છે. હવે સવાલ એ છે કે શું બાંગ્લાદેશ ભારત સામે ઊભા રહેવાની સ્થિતિમાં છે ખરું?
બાંગ્લાદેશમાં વીજળી આપવામાં ભારતની ભાગીદારી ૧૭ ટકા
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મોટા પાયે વેપાર થાય છે. પરંતુ હાલ બાંગ્લાદેશ જે કરી રહ્યું છે તેના પ્રતાપે જલદી આ દેશ ભૂખથી તડપશે. ભારતના ઘઉ, ચોખા, ખાંડ, ડુંગળી, બટાકા, લસણ, મસાલા, ફળ, શાકભાજી, કપાસ, રિફાઈન પેટ્રોલ, ડીઝલ, પ્લાસ્ટિક, સ્ટીલ, દવાઓ એટલે સુધી કે વીજળી સપ્લાય પણ ભારતથી થાય છે. ભારત વગર તેનું કામ ચાલતું નથી.
૨૦૨૨-૨૩માં બંને દેશો વચ્ચે કુલ ૧૬ અબજ ડોલરનો વેપાર હતો. ભારત બાંગ્લાદેશ પાસેથી ૨ અબજ ડોલરનો સામાન ખરીદે છે જ્યારે ૧૪ અબજ ડોલરથી વધુ વેચાણ કરે છે. ફક્ત લેવડદેવડ નહીં પરંતુ ભારતે બાંગ્લાદેશને મદદ માટે ૮ અબજ ડોલર આપ્યા છે. જેની મદદથી ત્યાં રસ્તા, રેલ, પોર્ટ્સ તૈયાર કરાયા છે.
બાંગ્લાદેશમાં વીજળીના કુલ સપ્લાયમાં ભારતની ભાગીદારી ૧૭ ટકા છે. એટલે કે જો ભારત એક સ્વિચ બંધ કરે તો બાંગ્લાદેશ અંધારામાં ડૂબશે. ફેક્ટરીઓ બંધ થશે. તેની લાઈફલાઈન ઠપ્પ થશે. ભારતની એક ખાનગી કંપની જ ત્યાં એકલા હાથે દરરોજ લગભગ ૧૫૦૦ મેગાવોટનો પૂરવઠો પૂરો પાડે છે.
ચીન અને પાકિસ્તાનના દમ પર કૂદાકૂદ કરતું બાંગ્લાદેશ એ ભૂલી ગયું છે કે ભારત વગર તેનું કામ ચાલી શકે તેમ નથી. જેની ૯૪ ટકા સરહદ ભારત સાથે જાેડાયેલી હોય, જેની થાળીમાં ભારતીય સામાન હોય, જેના ઘરની વીજળી પણ ભારતથી ચાલતી હોય તે ભારત સાથે પંગો લઈને કેટલું ટકી શકે. કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર હર્ષ પંતનું માનીએ તો ભારત પાસેથી જેટલો સસ્તો સામાન બાંગ્લાદેશને મળે છે તે ચીન કે અમેરિકા પાસેથી ન મળી શકે.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાનું ઈંધણ ભારતથી આવે છે. જાે ભારત હાથ ઊંચા કરે તો બાંગ્લાદેશ બરબાદ થઈ જશે. મોંઘવારી ચરમસીમાએ પહોંચશે. બેરોજગારી અને જીડીપી પર સીધી અસર પડશે. જે કિંમતે ભારત બાંગ્લાદેશને સામાન વેચે છે તેના ભાવ પર દુનિયાનો કોઈ દેશ તેને તે આપી શકે નહીં. ભારત વગર તેનો વેપાર શક્ય નથી. જાે બંગાળની ખાડીથી તે સામાન મંગાવે તો તેના દેવામાં ઘણો વધારો થઈ શકે.
બાંગ્લાદેશ પોતાના સૌથી મોટા ઉદ્યોગ ટેક્સટાઈલના કારણે જીવતું છે. ભારત પાસેથી કપાસ ખરીદીને તે સસ્તા લેબરના કારણે કપડાં બનાવીને દુનિયાને વેચે છે. ભારત જાે કુલ કપાસ અને જ્યૂટના ૩૫ ટકા જેટલું બાંગ્લાદેશને વેચે છે તે બંધ કરે તો બાંગ્લાદેશની ઈકોનોમી ક્રેશ થઈ શકે. કારણ કે બાંગ્લાદેશની ઈકોનોમીમાં કપડાં ઉદ્યોગની ભાગીદારી ૧૧ ટકા છે. ઓગસ્ટથી અત્યાર સુધીમાં બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને લગભગ ૨ કરોડ રૂપિયાનો ફટકો પડી ચૂક્યો છે. આવામાં ભારત સામે બાંગ્લાદેશ ક્યાંય ટકી શકે તેમ નથી.