Last Updated on by Sampurna Samachar
SIR પ્રક્રિયાને લઇ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
ઓક્ટોબર પહેલા કેસની સુનાવણીની માંગ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહાર સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝનને લઈને સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે અમે બિહાર SIR પર આંશિક અભિપ્રાય આપી શકીએ નહીં. અંતિમ ર્નિણય ગમે તે હોય, તે આખા દેશ પર લાગુ પડશે. અમે માનીએ છીએ કે બંધારણીય સત્તા, ચૂંટણી પંચ, બિહારમાં કાયદા અને ફરજિયાત નિયમોનું પાલન કરી રહ્યું છે. જે અમને બિહાર SIR ના કોઈપણ તબક્કે ચૂંટણી પંચ દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિમાં કંઈ પણ ખોટું જણાશે, તો સમગ્ર પ્રક્રિયા રદ કરવામાં આવશે.

કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલા બાગચીની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. અરજદારે પહેલી ઓક્ટોબર પહેલા કેસની સુનાવણીની માંગ કરી હતી. આ દિવસે અંતિમ મતદાર યાદી પ્રકાશિત થવાની છે. પરંતુ કોર્ટે ઈનકાર કરતા કહ્યું કે, ૨૮મી સપ્ટેમ્બરથી દશેરાની રજા છે, પરંતુ કોર્ટ એક અઠવાડિયા માટે બંધ છે. સુપ્રીમ કોર્ટે બિહારમાં SIR કવાયતની માન્યતા પર અંતિમ દલીલો સાંભળવા માટે સાતમી ઓક્ટોબરની તારીખ નક્કી કરી.
અયોગ્ય મતદારોની ઓળખ કરવામાં આવશે
અંતિમ મતદાર યાદીના પ્રકાશનથી મામલાના નિરાકરણમાં કોઈ ફરક પડશે નહીં. કોર્ટે અરજદારોને ખાતરી આપી હતી કે જો કોઈ ગેરકાયદે હશે, તો તે અંતિમ પ્રકાશનને ધ્યાનમાં લીધા વિના આ મામલે હસ્તક્ષેપ કરશે. કોર્ટે આ વાત એડવોકેટ પ્રશાંત ભૂષણના સવાલના જવાબમાં કહી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પંચ SIR ની કવાયતમાં પોતાના મેન્યુઅલ અને નિયમોનું પાલન કરી રહ્યું નથી.
કાયદાકીય જરૂરિયાત હોવા છતાં કમિશન આ મામલે મળેલા વાંધાઓ અપલોડ કરી રહ્યું નથી. સુપ્રીમ કોર્ટનો આ ર્નિણય એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ચૂંટણી પંચે દેશભરમાં SIR વિશે વાત કરી હતી. ચૂંટણી પંચે આ સંદર્ભમાં ૧૦મીસપ્ટેમ્બરે એક બેઠક યોજી હતી.ત્યારબાદ અધિકારીઓએ કહ્યું હતું કે આવતા વર્ષે પાંચ વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. તેથી ૨૦૨૫ના આગામી મહિનાઓમાં અખિલ ભારતીય મતદાર યાદી સુધારણા અભિયાન ચલાવી શકાય છે.
બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓએ કોઈપણ લાયક નાગરિકનું નામ મતદાર યાદીમાંથી બહાર ન રહે અને કોઈ અયોગ્ય વ્યક્તિ તેમાં ન રહે તે સુનિશ્ચિત કરવા માટે દસ્તાવેજો સૂચવ્યા. ફરીથી ભાર મૂકવામાં આવ્યો કે આ દસ્તાવેજો પાત્ર નાગરિકો માટે સબમિટ કરવા માટે સરળ હોવા જોઈએ. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૬માં આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે.
ચૂંટણી પંચ દ્વારા શરુ કરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા હેઠળ, દેશભરમાં ડુપ્લિકેટ, મૃત અથવા અયોગ્ય મતદારોની ઓળખ કરવામાં આવશે અને મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવામાં આવશે. ખાસ કરીને એવા મતદારોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ કાયમી અને વર્તમાન બંને સરનામા પર નોંધાયેલા છે.