ભારતમાં સર્જરી બાદ દર્દીઓમાં SSI સંક્રમણનો દર ૫.૨%
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં સર્જરી બાદ દર વર્ષે સરેરાશ ૧૫ લાખ દર્દીઓ સંક્રમણનો ભોગ બને છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના તાજેતરના અહેવાલમાં સર્જરી પછીનું સંક્રમણ એટલે કે સર્જિકલ સાઈટ ઈન્ફેક્શન (SSI) અંગેની આ ચિંતાજનક સ્થિતિ સામે આવી છે.
હકીકતમાં SSI ત્યારે થાય છે જ્યારે સર્જરી દરમિયાન લગાવવામાં આવેલા ચીરામાં ઘૂસીને બેક્ટેરિયા તેને સંક્રમિત કરી દે છે. ICMR ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં સર્જરી બાદ દર્દીઓમાં SSI સંક્રમણનો દર ૫.૨% છે જે ઘણા વિકસિત દેશો કરતા વધારે છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાડકા અને સ્નાયુઓ સાથે સંબંધિત સર્જરી અથવા ઓર્થોપેડિક સર્જરીના કિસ્સાઓમાં SSI દર ૫૪.૨ % છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ સમસ્યાનો સામનો કરવા માટે ICMR એ SSI સર્વેલન્સ નેટવર્ક લોન્ચ કર્યું છે.
તેનો ઉદ્દેશ્ય આવા સંક્રમણોને રોકવા માટે દેશભરના ડોકટરોની મદદ કરવાનો છે. ICMR એ ત્રણ મુખ્ય હોસ્પિટલો AIIMS દિલ્હી, કસ્તુરબા હોસ્પિટલ, મણિપાલ અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ મુંબઈમાં ૩,૦૯૦ દર્દીઓની સર્જરીઓ પર આ અભ્યાસ કર્યો હતો.
સ્ટડીમાં સામે આવ્યું કે, ઓર્થોપેડિક સર્જરી કરાવતા દર્દીઓમાં SSI નું જોખમ વધારે છે. કુલ દર્દીઓમાંથી ૧૬૧ દર્દીઓ (૫.૨%) સર્જરી બાદ SSI ની લપેટમાં આવ્યા હતા. સામાન્ય રીતે ૧૨૦ મિનિટ એટલે કે બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી સર્જરી બાદ દર્દીઓને SSI નું જોખમ વધી જાય છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, SSI ની ઓળખ માટે ડિસ્ચાર્જ પછી દર્દીઓની દેખરેખ મહત્વપૂર્ણ છે. ૬૬% કિસ્સાઓમાં દર્દીઓ હોસ્પિટલ છોડી ગયા બાદ સંક્રમણ સામે આવ્યું હતું. ડિસ્ચાર્જ પછી દેખરેખથી SSI ના ૬૬% કેસ શોધવામાં મદદ મળી.