Last Updated on by Sampurna Samachar
ટ્રક બ્રિજની વચ્ચોવચ પલટી મારી ગઈ હતી
વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં SG હાઈવે પર સોલા બ્રિજ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પરથી પસાર થઈ રહેલી એક આઈસર ટ્રકનું ટાયર અચાનક ફાટતા ટ્રક રોડની વચ્ચે જ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

મળતી માહિતી અનુસાર વહેલી સવારે એક આઈસર ટ્રક સામાન ભરીને સોલા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. બ્રિજ પર ટ્રક ચઢી રહી હતી. ત્યારે જ અચાનક ધડાકાભેર ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક બ્રિજની વચ્ચોવચ પલટી મારી ગઈ હતી.
નોકરીયાત વર્ગ અને અન્ય વાહનચાલકોને પડી મુશ્કેલી
અકસ્માત બ્રિજની વચ્ચે જ થયો હોવાથી પાછળથી આવતા વાહનોની ગતિ થંભી ગઈ હતી. જોતજોતામાં સોલા બ્રિજથી લઈને છેક ગોતા અને થલતેજ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ઓફિસ ટાઈમ હોવાથી નોકરીયાત વર્ગ અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.