હવે રૂ.૫૮ લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રોને રિપેરીંગ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામાં આવેલી ૨૯ આંગણવાડી કેન્દ્રોની મરામત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીએ વહીવટી મંજૂરી આપી છે. રાજ્ય સરકારની વર્ષ ૨૦૨૩-૨૪ની ગ્રાન્ટ ICDS શાખાને ફાળવવામાં આવી છે. ICDS શાખા સંચાલિત જિલ્લામાં આવેલી આંગણવાડીઓની સ્થિતિ ચકાસવામાં આવી હતી. તેમાં ૨૯ આંગણવાડીની હાલત અત્યંત જર્જરીત જોવા મળી હતી. ચોમાસામાં બાળકોને બેસાડી શકાય તેમ ન હોવાથી તેની મરામત આવશ્યક હતી. DDO દ્વારા ગ્રાન્ટ ફાળવવા માટેની વહીવટી મંજૂરી આપવામાં આવતા હવે રૂ.૫૮ લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રોને રિપેરીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર તાલુકા પંચાયતમાં ૩ આંગણવાડી કેન્દ્રોને રૂ.૬ લાખ, કલોલ તાલુકા પંચાયતમાં ૪ આંગણવાડી કેન્દ્રોને રૂ.૮ લાખ, કલોલ પાલિકામાં ૩ આંગણવાડી કેન્દ્રોને રૂ.૬ લાખ, માણસા તાલુકા પંચાયતમાં ૫ આંગણવાડી કેન્દ્રોને રૂ.૧૦ લાખ, માણસા તાલુકાના પાલિકાની ૬ આંગણવાડી કેન્દ્રોને રૂ.૧૨ લાખ, દહેગામ તાલુકા પંચાયતની ૪ આંગણવાડી કેન્દ્રોને રૂ.૮ લાખ અને દહેગામ પાલિકાની ૪ આંગણવાડી કેન્દ્રોને ૮ લાખ મળી કુલ ૨૯ આંગણવાડી કેન્દ્રનો સમાવેશ કરાયો છે. તેની મરામત માટે રૂ. ૫૮ લાખનો ખર્ચ કરવામાં આવશે.
આ ઉપરાંત આઈ.સી.ડી.એસ શાખામાં વર્ષ ૨૦૨૪-૨૫માં જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી મહિલા અને બાળ યુવા સમિતિની રૂ.૭૫ લાખની ગ્રાન્ટમાંથી કુલ ૩૧ આંગણવાડી કેન્દ્રોનું રિપેરીંગ કરવા વહીવટી મંજુરી આપવામાં આવી છે. જેમાં ગાંધીનગર તાલુકાની ૫ આંગણવાડી કેન્દ્રોને રૂ.૧૨,૭૧,૮૭૧, કલોલ તાલુકામાં ૯ આંગણવાડી કેન્દ્રોને રૂ.૨૪,૬૫,૬૧૩,,માણસા તાલુકાના ૮ આંગણવાડી કેન્દ્રોને રૂ.૧૨,૯૬,૯૦૦, દહેગામ તાલુકામાં ૯ આંગણવાડી કેન્દ્રોને રૂ.૨૪,૬૫,૬૧૬અને એમ ૭૫ આંગણવાડીનો સમાવેશ કરાયો છે.