Last Updated on by Sampurna Samachar
પ્રતિષ્ઠિત બંગ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરાઇ ઋચાને
ફાઈનલમાં જેટલા રન બનાવ્યા એટલા લાખનો ચેક મળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે તાજેતરમાં જ ICC મહિલા વનડે વર્લ્ડ કપ ૨૦૨૫ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ ભારતીય મહિલા ટીમની પ્રથમ ICC ટ્રોફી હતી. વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલી વિકેટકીપર ઋચા ઘોષ DSP બની ગઈ છે. તેને પશ્ચિમ બંગાળમાં માનદ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ નિયુક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારે તેને પ્રતિષ્ઠિત બંગ ભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરી છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ઋચા માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હાજરી આપી હતી.

સન્માન સમારોહમાં ૨૨ વર્ષીય ઋચાને ગોલ્ડન બેટ આપવામાં આવી હતી. આ સાથે જ તેને ૩૪ લાખ રૂપિયાનો ચેક પણ મળ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકા સામે ફાઈનલમાં ૨૪ બોલમાં ૩૪ રન બનાવ્યા હતા, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. ભારતે ૨૯૮/૭ નો સ્કોર કરીને ૫૨ રનથી ટાઈટલ મેચ જીતી હતી.
મુખ્યમંત્રી મમતાએ ઋચાને નિમણૂક પત્ર સોંપ્યો
સન્માન સમારોહની શરૂઆત પરંપરાગત ઉત્તરીય, ફૂલો અને મીઠાઈઓ સાથે થઈ હતી, ત્યારબાદ મુખ્યમંત્રી મમતાએ ઋચાને ગોલ્ડન બેટ, બંગ ભૂષણ, એક સોનાની ચેઈન અને DSP નિમણૂક પત્ર સોંપ્યો હતો. સીએમ મમતા બેનરજીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ઋચા પ્રેમથી વારંવાર દુનિયા જીતી લેશે. મેન્ટલ સ્ટ્રેંથ એ સૌથી મોટી શક્તિ છે.
તમારે સખત મહેનત કરતા રહેવું જોઈએ, મુશ્કેલીઓને પાર કરીને તમારા લક્ષ્ય સુધી પહોંચવું જોઈએ. તમારે લડવાનું છે, પ્રદર્શન કરવાનું છે, રમવાનું છે અને જીતવાનું છે. બીજી તરફ પશ્ચિમ બંગાળે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, DSP ઋચા ઘોષ, હાર્દિક અભિનંદન. બંગાળનું ગૌરવ ઋચા હવે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ બની ગઈ છે. પશ્ચિમ બંગાળ સરકારે વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમની મહત્વપૂર્ણ સભ્ય ઋચાને પોલીસમાં DSP પદ પર નિયુક્ત કરી છે.