Last Updated on by Sampurna Samachar
ઈંગ્લેન્ડના બેટ્સમેનોના નબળા પ્રદર્શનની અસર રેન્કિંગ
જસપ્રીત બુમરાહ નંબર ૧ ટેસ્ટ બોલર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC ની તાજેતરની રેન્કિંગ સામે આવી છે, જેમાં ભારતીય ટીમના ક્રિકેટર્સનો જલવો જોવા મળ્યો છે. ૩૮ વર્ષીય રોહિત શર્માએ નંબર ૧ અને ૩૭ વર્ષીય વિરાટ કોહલીએ નંબર ૨ પર કબજો કર્યો છે. બીજી તરફ મિશેલ સ્ટાર્ક ટેસ્ટ ક્રિકેટમાં નંબર ૩ બોલર બની ગયો છે. એશિઝની બે શરૂઆતની ટેસ્ટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જસપ્રીત બુમરાહ નંબર ૧ ટેસ્ટ બોલર છે.

વિરાટ કોહલી એપ્રિલ ૨૦૨૧થી વન-ડે બેટ્સમેનોમાં નંબર ૧ રેન્કિંગ પર નથી, ત્યારે તેને પાકિસ્તાનના બાબર આઝમે પાછળ છોડી દીધો હતો. જોકે, દક્ષિણ આફ્રિકા સામેની તાજેતરની ત્રણ મેચની વન-ડે સીરિઝમાં તેના શાનદાર પ્રદર્શનના કારણે કોહલી હવે ફરીથી ટોપ સ્થાનની ખૂબ નજીક પહોંચી ગયો છે.
ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા ટોપ પર
૩૭ વર્ષીય કોહલીને ત્રણ મેચમાં કુલ ૩૦૨ રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. તેના આ શાનદાર પ્રદર્શન અસર તાજેતરની ICC રેન્કિંગમાં પણ દેખાઈ, જ્યાં તે બે સ્થાન ઉપર ચઢીને બીજા નંબર પર પહોંચી ગયો. તેની આગળ માત્ર રોહિત શર્મા છે.
રોહિતે આ સીરિઝમાં ૧૪૬ રન બનાવ્યા અને નંબર ૧ પર પોતાની પોઝિશન જાળવી રાખી. બીજી તરફ વિશાખાપટ્ટનમમાં રમાયેલી છેલ્લી મેચમાં કોહલીની અણનમ ૬૫ રનની ઈનિંગના કારણે તે હવે રોહિતથી માત્ર ૮ રેટિંગ પોઈન્ટ પાછળ રહી ગયો છે.
ભારત હવે આગામી વન-ડે મેચ ૧૧ જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ઘરેલૂ સીરિઝમાં રમશે. આ દરમિયાન તમામની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે કારણ કે, બંને વચ્ચે વન-ડે બેટ્સમેનોની નંબર ૧ રેન્કિંગની રેસ વધુ તેજ છે.
આ અઠવાડિયે જારી કરવામાં આવેલ નવી રેન્કિંગમાં માત્ર કોહલી જ નહીં, ઘણા અન્ય ભારતીય ખેલાડીઓએ પણ મોટી છલાંગ લગાવી છે. વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ બે સ્થાન ઉપર આવીને ૧૨માં નંબર પર પહોંચી ગયો છે. બીજી તરફ બોલરોની રેન્કિંગમાં ડાબોડી સ્પિનર કુલદીપ યાદવે મોટી છલાંગ લગાવતા ત્રણ સ્થાન ઉપર આવીને ત્રીજા નંબર પર પહોંચી ગયો છે.
કટકમાં ભારતની ૧૦૧ રનની ધમાકેદાર જીત બાદ T20 બોલરોની નવી રેન્કિંગમાં ત્રણ ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે. અક્ષર પટેલ બે સ્થાન ઉપર આવીને ૧૩માં નંબર પર, અર્શદીપ સિંહ ત્રણ સ્થાન ઉપર આવીને ૨૦માં નંબર પર અને જસપ્રીત બુમરાહ ૬ સ્થાન ઉપર આવીને ૨૫માં નંબર પર પહોંચી ગયો છે.
બીજી તરફ ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કની મોટી છલાંગ કોઈ આશ્ચર્યજનક નથી. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે એશિઝ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ સ્ટાર્ક ત્રણ સ્થાન ઉપર ચઢીને ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનોના નબળા પ્રદર્શનની અસર ટેસ્ટ રેન્કિંગ પર પણ પડી છે. હેરી બ્રુક બે સ્થાન નીચે ઉતરીને ચોથા નંબર પર પહોંચી ગયો છે. બીજી તરફ કેન વિલિયમસન અને સ્ટીવ સ્મિથ બંને એક-એક સ્થાન ઉપર આવ્યા છે અને હવે ટોપ પર રહેલા જો રૂટથી પાછળ અનુક્રમે બીજા અને ત્રીજા નંબર પર છે.
T20 બેટિંગ રેન્કિંગમાં અભિષેક શર્મા (૯૧૩) ટોપ પર છે. T20ની જ બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો વરુણ ચક્રવર્તી (૭૮૨) ટોપ પર છે. ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા ૪૫૫ પોઈન્ટ સાથે ટોપ પર છે.