ખરાબ વ્યવહારના કારણે આદેશ પેનલ્ટી ફટકારી
(સંપૂર્ણ સમાચાર સેવા )
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે ICC છેલ્લા કેટલાક દિવસોથી સતત પોતાના ર્નિણયોના લીધે ચર્ચામાં રહી છે. જેમાં તેણે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ બંને ટીમ પર સ્લો ઓવર રેટની પેનલ્ટી ફટકારી હતી, હવે વેસ્ટઈન્ડિઝના ૨ ખેલાડીઓ પર આચાર સંહિતાના ભંગ બદલ પેનલ્ટી લગાવી છે.
વેસ્ટ ઈન્ડિઝમાં જ બાંગ્લાદેશ વિરૂદ્ધ બે મેચની ટેસ્ટ સિરિઝમાં ટીમના ખેલાડી જેડેન સીલ્સ અને કેવિન સિંક્લેરના ખરાબ વ્યવહારના કારણે ICC એ તેમના પર મેચ ફીના ૨૫ ટકા પેનલ્ટી પેટે ચૂકવવા આદેશ કર્યો છે. બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ સિરિઝમાં વેસ્ટ ઈન્ડિઝને બીજા મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે સિરિઝ ૧-૧ સાથે ટાઈ થઈ હતી. આ મેચમાં જેડેન સીલ્સ અને કેવિન સિંક્લેયરને આચાર સંહિતાનું ભંગ કરવા બદલ ICC દ્વારા મેચ ફીના ૨૫ ટકા પેનલ્ટી તેમજ એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવાની સજા કરવામાં આવી છે.
આ ટેસ્ટ સિરિઝમાં કેવિન સંક્લેયર જે ટીમ-૧૧નો હિસ્સો ન હતો, પરંતુ બીજા મુકાબલામાં અન્ય ખેલાડીના સ્થાને ફિલ્ડિંગ કરવા મેદાન પર ઉતર્યો હતો. તે સમયે બાંગ્લાદેશ ટીમના બેટ્સમેનને અભદ્ર શબ્દો કહ્યા હતા. સિંક્લેયરને પેનલ્ટી ફટકારતાં ICC એ જણાવ્યું હતું કે, મેદાનમાં રમતી વખતે તેના દ્વારા થઈ રહેલી અભદ્ર ટીપ્પણીઓ મુદ્દે એમ્પાયર્સે તેને ચેતવણી પણ આપી હતી. પરંતુ તેણે તેને અવગણી પોતાની ખરાબ વર્તૂણક ચાલુ રાખી હતી. બીજી તરફ જેડેન સિલ્સે બાંગ્લાદેશની બીજી બેટિંગ ઈનિંગ્સની પ્રથમ ઓવરમાં વિકેટ લીધા બાદ બેટ્સમેનને ડ્રેસિંગ રૂમ તરફ ઉશ્કેરણીજનક ઈશારાઓ કર્યા હતા.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ત્રીજા એડિશનમાં વેસ્ટઈન્ડિઝ ટીમની કારમી હાર થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ અત્યારસુધી રમાયેલી કુલ ૧૧ મેચોમાંથી માત્ર બેમાં જ જીત મેળવવા સફળ થઈ છે. સાત મેચમાં પરાજય થયો છે. જ્યારે બે ડ્રો રહી હતી.