Last Updated on by Sampurna Samachar
ઇંગ્લેન્ડના મહાન બેટ્સમેન જો રૂટ ટોપ પર
રવિન્દ્ર જાડેજા હાલમાં વિશ્વનો નંબર-૧ ટેસ્ટ ઓલરાઉન્ડર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ICC ટેસ્ટ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના ટોપ-ઓર્ડરને ઘણો ફાયદો થયો છે. ઇંગ્લેન્ડના મહાન બેટ્સમેન જો રૂટ ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વનો નંબર-૧ બેટ્સમેન બન્યો છે. નોટિંગહામમાં ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટમાં ૫૮ રનની ઇનિંગ રમી હતી.
ઇંગ્લેન્ડના મહાન બેટ્સમેન જો રૂટ ૮૮૮ રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર છે. હેરી બ્રુક ૮૭૩ રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ત્રીજા નંબરે કેન વિલિયમસન (૮૬૭), ચોથા નંબરે યશસ્વી જયસ્વાલ (૮૪૭) અને પાંચમા નંબરે સ્ટીવ સ્મિથ (૮૨૩) છે. ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં જેક ક્રોલી (૧૨૪), બેન ડકેટ (૧૪૦) અને ઓલી પોપ (૧૭૧) એ જોરદાર સદીઓ ફટકારી હતી, જેનો તેમને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો હતો.
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અભિયાનની શરૂઆત કરશે
બેન ડકેટ બે સ્થાનનો ફાયદો થયો છે. તે હાલમાં ૧૩મા સ્થાને છે. ઓલી પોપ છ સ્થાનના ફાયદા સાથે ૨૨મા ક્રમે પહોંચી ગયો છે અને જેક ક્રોલી આઠ સ્થાનના ફાયદા સાથે ૩૩મા ક્રમે પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડની ટીમ ભારત સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી સાથે તેના નવા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અભિયાનની શરૂઆત કરશે.
ઝિમ્બાબ્વેને ઇંગ્લેન્ડ સામે ઇનિંગ્સ અને ૪૫ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા વિશ્વનો નંબર-૧ ટેસ્ટ બોલર તરીકે યથાવત છે, જ્યારે એટકિન્સન પણ ટેસ્ટ ઓલરાઉન્ડરોની યાદીમાં એક સ્થાન ઉપર આવીને સાતમા સ્થાને પહોંચી ગયો છે. રવિન્દ્ર જાડેજા હાલમાં વિશ્વનો નંબર-૧ ટેસ્ટ ઓલરાઉન્ડર છે.
વ્હાઇટ-બોલ ક્રિકેટમાં પણ રેન્કિંગમાં થોડો ફેરફાર થયો છે. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન કેસી કાર્ટીએ તાજેતરની ODI બેટ્સમેનોની યાદીમાં ૨૦ સ્થાનની છલાંગ લગાવીને ૧૬મા સ્થાને પહોંચી ગયો છે. તેણે તાજેતરમાં આયર્લેન્ડ સામેની ત્રીજી મેચમાં શાનદાર ૧૭૦ રનની ઇનિંગ્સ રમી હતી. આયર્લેન્ડના એન્ડ્રૂ બાલ્બિર્ની ૮ સ્થાનના ફાયદા સાથે ૪૮મા ક્કમે પહોંચી ગયો છે.