Last Updated on by Sampurna Samachar
ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને ૧૯.૫ કરોડ રૂપિયા મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈમાં આયોજિત કરવામાં આવનાર છે. ભારતે ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ ICC એ ભારતની મેચ દુબઈમાં યોજવાનો ર્નિણય લીધો હતો.
આ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરી હતી. વૈશ્વિક ક્રિકેટ સંસ્થાએ ટુર્નામેન્ટની ઇનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં ૫૩ % નો વધારો કર્યો છે. આગામી દિવસોમાં શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને ૨.૪ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧૯.૫ કરોડ રૂપિયા મળશે.
ભારત ટુર્નામેન્ટ માટે ગ્રુપ છ માં છે જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે. વિજેતાઓ ઉપરાંત, રનર-અપ ટીમને ૧.૧૨ મિલિયન (લગભગ રૂ. ૯.૭૨ કરોડ) મળશે, જ્યારે સેમિફાઇનલમાં બહાર થયેલી બંને ટીમોને ઇં૫૬,૦૦૦ (રૂ. ૪.૮૬ કરોડ) મળશે. આ ટુર્નામેન્ટની કુલ ઈનામી રકમ વધીને ૬.૯ મિલિયન ડોલર (લગભગ ૬૦ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. ICC ના ચેરમેન જય શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નોંધપાત્ર ઇનામ રકમ રમતમાં રોકાણ કરવા અને આપણી ઇવેન્ટ્સની વૈશ્વિક પ્રતિષ્ઠા જાળવવા માટેની ICC ની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
ગ્રુપ સ્ટેજ જીતનારી કોઈપણ ટીમને રૂ. ૩૦ લાખની ઈનામી રકમ મળશે. પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેનાર ટીમોને લગભગ રૂ. ૩ કરોડ મળશે, જ્યારે સાતમા અને આઠમા ક્રમે રહેનાર ટીમોને લગભગ રૂ. ૧.૨ કરોડ મળશે. આ ઉપરાંત, આ ICC ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ આઠેય ટીમોને લગભગ રૂ. ૧.૦૮ કરોડની રકમ આપવામાં આવશે.
ભારત ૨૦ ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાનો પહેલો લીગ સ્ટેજ મેચ રમશે. આ પછી, ૨૩ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની મેચ પછી, ટીમ ઈન્ડિયાને સાત દિવસનો આરામ મળશે. આ પછી, ભારતીય ટીમ ૨ માર્ચે ન્યુઝીલેન્ડનો સામનો કરશે. ભારતે છેલ્લે ૨૦૧૩ માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમના કેપ્ટન હતા. ૨૦૦૨ માં વરસાદને કારણે ફાઇનલ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત અને શ્રીલંકા સંયુક્ત વિજેતા હતા. ભારતીય ટીમ કુલ ચાર વખત ફાઇનલમાં પહોંચી છે. ૨૦૧૩ અને ૨૦૦૨ સિવાય, ૨૦૦૦ અને ૨૦૧૭માં પણ આવું બન્યું હતું.
પાકિસ્તાનમાં યોજાનારી મેચો કરાચી, લાહોર અને રાવલપિંડીમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. ICC પ્રમુખ શાહે કહ્યું કે, ICC મેન્સ ચેમ્પિયનશિપ ટ્રોફી ૨૦૨૫ ક્રિકેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટુર્નામેન્ટ ODI માં શ્રેષ્ઠ પ્રતિભાઓ સાથે પુનરાગમન કરી રહી છે અને દરેક મેચ મહત્વપૂર્ણ છે.
પુરુષોની ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૦૯ થી ૨૦૧૭ સુધી દર ચાર વર્ષે યોજાતી હતી, પરંતુ કોવિડ અને તેની સુસંગતતા અંગે પ્રશ્નો ઉભા થવાને કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ ૧૯૯૮ માં શરૂ થઈ હતી અને ત્યારબાદ દર બે વર્ષે યોજાતી હતી.