ઓસ્ટ્રેલિયા સામે ભલે પ્રદર્શન નબળું હોય પરંતુ આ ટ્રોફી માટે ટીમ કરશે તનતોડ મહેનત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે. સિલેક્ટર્સ સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની હાર બાદ એક એવી ટીમ પસંદ કરવાની જવાબદારી છે, જે હારના દાગને ધોઈ જીત મેળવી શકે. ત્યારે આ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરનાર યશસ્વી જયસ્વાલને ચેમ્પિયન્સ ટ્રોફીમાં તક આપવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
૨૩ વર્ષનો ઓપનર રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરવા માટે પહેલી પસંદ બની શકે છે. તેને ઓસ્ટ્રેલિયામાં રન બનાવવા માટે સંઘર્ષ કરનાર શુભમન ગિલ કરતા વધુ મહત્વ આપવામાં આવી શકે છે. ભલે ટીમ ઇન્ડિયાએ હાલની સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું ન હોય, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને દાવેદાર માનવામાં આવી રહી છે. કેપ્ટન રોહિત શર્મા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની હારને ભૂલાવીને આગળ વધવા માંગશે.
ટેસ્ટમાં ભલે તે સારું પ્રદર્શન કરી શક્યો નહીં પરંતુ વનડેમાં તે ઘાતક સાબિત થઈ શકે છે. ICC વનડે વર્લ્ડ કપ ૨૦૨૩માં શુભમન ગિલે કેપ્ટન સાથે ઇનિંગની શરૂઆત કરી હતી, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની જગ્યા જોખમમાં જોવા મળી રહી છે. ૨૫ વર્ષના શુભમન ગિલનું પ્રદર્શન છેલ્લા કેટલાક મહિનામાં સારું રહ્યું નથી. તેનાથી વિપરીત ૨૩ વર્ષના યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવ્યાં હતા. ૫ મેચની ૧૦ ઇનિંગમાં ૧ સદી અને ૨ અડધી સદીના આધારે ૩૯૧ રન બનાવ્યાં હતા. તે સિવાય કોઈ ભારતીય ૩૦૦ રન પણ બનાવી શક્યો નહોતો. ઇન ફોર્મ યશસ્વીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્માની સાથે ઓપનિંગમાં તક મળી શકે છે.