Last Updated on by Sampurna Samachar
સૈકિયા હાલ વચગાળાના સચિવ પદ પર જ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જય શાહ ICC ના ચેરમેન બની ગયા છે. તેમણે ડિસેમ્બર ૨૦૨૪માં પદ સંભાળ્યું હતું. જય શાહના ICC ચેરમેન બન્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં તેમની જગ્યા ખાલી પડી છે. જય શાહ બાદ દેવજીત સૈકિયાને સચિવ પદની જવાબદારી મળી શકે છે. એક રિપોર્ટ પ્રમાણે તે આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે. સૈકિયા હાલ વચગાળાના સચિવ પદ પર છે. તો પ્રભતેજ સિંહ ભાટિયાને કોષાધ્યક્ષ પસંદ કરવામાં આવી શકે છે.
હકીકતમાં જય શાહની વિદાય બાદ સૈકિયાને વચગાળાના સચિવ બનાવ્યા હતા. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રહ્યાં છે. સૈકિયા અસમથી આવે છે. તે અસમ તરફથી સીકે નાયડૂ ટ્રોફી રમી ચૂક્યા છે. આ સાથે તે સૌરવ ગાંગુલીની ટીમમાં પણ હતા. ગાંગુલી અને સૈકિયા ઈસ્ટ ઝોન માટે રમી ચૂક્યા છે. તેમણે ૧૯૯૧માં રણજી ટ્રોફીમાં પર્દાપણ કર્યું હતું. હવે સૈકિયા બોર્ડમાં છે. તે ૨૦૧૯માં બીસીસીઆઈના સંયુક્ત સચિવ બન્યા હતા.
સૈકિયાની સાથે-સાથે BCCI સચિવ પદ માટે ગુજરાતના અનિલ પટેલનું નામ પણ ચર્ચામાં આવી ચૂક્યું છે. તો આ લિસ્ટમાં રોહન જેટલીનું નામ પણ સામેલ છે. પરંતુ રોહન DCCA અધ્યક્ષ પદ પર છે. જેથી તે BCCI માં એન્ટ્રી કરશે નહીં. જો કોષાધ્યક્ષ પદની વાત કરીએ તો પ્રભતેજ સિંહ ભાટિયાને જવાબદારી મળી શકે છે. તે છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશનમાં છે.
મહત્વનું છે કે આ સમયે બીસીસીઆઈ અધ્યક્ષ રોજર બિન્ની છે. તો અજીત અગરકર મેન્સ ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર છે. જય શાહ સચિવ હતા. પરંતુ તે હવે આઈસીસીના ચેરમેન બની ગયા છે. જેથી તેની જગ્યા ખાલી પડી છે. ટીમ ઈન્ડિયા અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં શુક્રવારથી સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે.