Last Updated on by Sampurna Samachar
જસપ્રીત બુમરાહ ફરી નંબર વન બોલર બની ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પર્થ ટેસ્ટમાં ૨૯૫ રનની જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ તાજેતરની ICC રેન્કિંગમાં મોટો ફાયદો ઉઠાવ્યો છે. જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ ફરી નંબર ૧ બોલર બની ગયો છે. આ રેન્કિંગમાં યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીને પણ ફાયદો થયો છે. પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેના શાનદાર પ્રદર્શનને કારણે ભારતના સ્ટાર બોલર બુમરાહે તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પાછી મેળવી લીધી છે. તે તાજેતરની ICC મેન્સ ટેસ્ટ બોલર રેન્કિંગમાં ફરીથી નંબર ૧ ખેલાડી બની ગયો છે.
બુમરાહે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સિરીઝ હેઠળ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતની ૨૯૫ રનની જીત દરમિયાન ૮ વિકેટ લીધી હતી. તે મેચમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહ્યો હતો. આ પ્રદર્શનને કારણે બુમરાહ તેની જૂની રેન્કિંગમાંથી બે સ્થાનની છલાંગ લગાવી. તેણે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગીસો રબાડા અને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડને પાછળ છોડી દીધા છે. આ રીતે તેણે ટેસ્ટ બોલિંગમાં ફરીથી ICC રેન્કિંગના સિંહાસન પર કબજો જમાવ્યો છે.
બુમરાહ પ્રથમ વખત ફેબ્રુઆરી ૨૦૨૪માં ઈંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ૯ (૬ ૩) વિકેટ લઈને ટોચ પર પહોંચ્યો હતો. ત્યારબાદ, તે ઓક્ટોબરમાં બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં ફરીથી ટોચ પર આવ્યો, પરંતુ તાજેતરના સપ્તાહમાં તેને કાગિસો રબાડાએ પછાડી દીધો હતો. ટીમ ઈન્ડિયાના અન્ય ઝડપી બોલર મોહમ્મદ સિરાજને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. જમણા હાથના ફાસ્ટ બોલરે ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં ૫ વિકેટ ઝડપી હતી. આ કારણે તે ત્રણ સ્થાનનો સુધારો કરીને ૨૫માં સ્થાને પહોંચી ગયો છે.
ઈંગ્લેન્ડનો અનુભવી ખેલાડી જો રૂટ હજુ પણ ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં નંબર ૧ પર યથાવત છે. પરંતુ યશસ્વી જયસ્વાલ હવે તેમના રેન્કિંગ સામે ખતરો બની રહ્યો છે. હવે યશસ્વી જયસ્વાલ લેટેસ્ટ રેન્કિંગમાં નંબર ૨ ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. જે પર્થ ટેસ્ટમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. આ ઐતિહાસિક ઇનિંગ્સના કારણે તે બે સ્થાન આગળ વધીને બીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે, તેણે તેની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ૮૨૫ રેટિંગ પોઈન્ટ્સ પણ હાંસલ કર્યા, જે જો રૂટના ૭૮ રેટિંગ પોઈન્ટ્સથી માત્ર પાછળ છે.
ઓસ્ટ્રેલિયાનો ઝડપી ડાબોડી બેટ્સમેન ટ્રેવિસ હેડ પર્થમાં તેની ૮૯ રનની ઈનિંગ બાદ ત્રણ સ્થાન આગળ વધીને ૧૦મા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે, વિરાટ કોહલી તેની ૩૦મી ટેસ્ટ સદી બાદ નવ સ્થાન આગળ વધીને ૧૩મા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય જોડી રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચના ૨ સ્થાન પર યથાવત છે. જોકે, બંનેમાંથી એકેય ઓસ્ટ્રેલિયા સામેની પ્રારંભિક ટેસ્ટમાં રમ્યા નથી.